ભારત હમાસને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરેઃ ઈઝરાયલી રાજદૂત

નવી દિલ્હીઃ કેરળમાં ગઈ કાલે કાઢવામાં આવેલા પેલેસ્ટાઈન-તરફી મોરચામાં ઈઝરાયલના દુશ્મન હમાસ આતંકવાદી સંગઠનના ભૂતપૂર્વ વડા ખાલેદ મશાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વિશે ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આઘાત વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે, ‘ભારત આતંકવાદી સંગઠનોની તેની યાદીમાં હમાસનો સમાવેશ કરે એ સમય આવી ગયો છે.’

ગિલોને X ટ્વિટર પર લખ્યું છે: ‘માની ન શકાય એવી વાત! કેરળમાં ‘બુલડોઝર હિન્દૂત્વ અને રંગભેદી યહૂદીવાદને ઉખેડી નાખો’ સૂત્ર હેઠળ આયોજિત રેલીમાં હમાસ આતંકવાદી ખાલેદ મશાલે કતરમાંથી નિવેદન કર્યું.’ ખાલેદ મશાલે વર્ચ્યુઅલ હાજરીમાં અરબી ભાષામાં સંબોધન કર્યું હતું. ગિલોને વધુમાં લખ્યું છે, ‘મશાલે રેલીમાં ભાગ લેનારાઓને હાકલ કરીઃ ‘રસ્તાઓ પર ઉતરો અને તમારો ગુસ્સો દર્શાવો, (ઈઝરાયલ પર) જિહાદ માટે તૈયાર રહો, હમાસને આર્થિક રીતે મદદ કરો, સોશિયલ મીડિયા પર પેલેસ્ટીનિયન મુદ્દાનો પ્રચાર કરો.’ હમાસISISનો પણ ભારતના ટેરર લિસ્ટમાં ઉમેરો કરવાનો સમય આવી ગયો છે.’

આ મોરચાનું આયોજન કેરળસ્થિત જમાત-એ-ઈસ્લામી સંસ્થાની યુવા પાંખ ‘સોલિડારિટી યૂથ મૂવમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું હતું.

કેરળમાં કાઢવામાં આવેલા મોરચાના પ્રતિસાદમાં, કેરળમાં ભાજપાના ઉપપ્રમુખ વી.ટી. રેમાએ કહ્યું કે, ‘બિનસાંપ્રદાયિક ભારતમાં ઈસ્લામી આતંકવાદીઓના જૂથની ખરી માનસિકતા ઉઘાડી પડી છે. આ વિરોધ-મોરચો નીકળ્યાનું જાણીને મને આઘાત લાગ્યો છે. કોઈ ઈસ્લામી આતંકવાદી જૂથ આમ છડેચોક બિનસાંપ્રદાયિક ભારતમાં અને આપણા દક્ષિણી રાજ્ય કેરળમાં પોતાની ખરી માનસિકતા આમ છડેચોક રજૂ કરે તે વખોડવાલાયક અને અત્યંત કમનસીબ છે.’