કેરળમાં ખ્રિસ્તી પ્રાર્થનાસભા સ્થળે બોમ્બ વિસ્ફોટમાં એક મહિલાનું મરણ, અનેક ઘાયલ

કોચીઃ કેરળ રાજ્યના એર્નાકુલમ જિલ્લાના કોચી શહેરમાં ખ્રિસ્તીઓના કન્વેન્શન સેન્ટરને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા એક બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મરણ થયું છે જ્યારે બીજા 35 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતક એક મહિલા હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું છે કે કોચી મેટ્રોપોલિટન વિસ્તારના કલામાસેરી વિસ્તારમાં આજે સવારે 9.40 વાગ્યે પ્રાર્થના સભા સ્થળનો થયેલો વિસ્ફોટ આતંકવાદી કૃત્ય છે અને એ માટે IED સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેરળના પોલીસ વડા ડો. શૈક દરવેશ સાહેબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિસ્ફોટ કલામાસેરીમાં ઝામરા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થયો હતો. જ્યારે અહેવાલો એમ કહે છે કે કલામાસેરીમાં યેહોવા વિટનેસીસ સંપ્રદાયના ચર્ચમાં પ્રાર્થના સભા ચાલુ હતી ત્યારે ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા હતા.

વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ કેરળ પોલીસની આતંકવાદ-વિરોધી ટૂકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને કલામાસેરીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.