કેરળમાં સિરિયલ વિસ્ફોટની જવાબદારી કોચીના રહેવાસીએ લીધી

કોચીઃ કોચી શહેર નજીકના કલામાસેરી વિસ્તારમાં આવેલા ખ્રિસ્તીઓના ધાર્મિક પ્રાર્થના સ્થળે આજે સવારે પ્રાર્થના સમયે કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટોની જવાબદારી યેહોવા વિટનેસીસ નામક ખ્રિસ્તી સંપ્રદાયનો સભ્ય હોવાનો દાવો કરનાર એક જણે લીધી છે. ડોમિનિક માર્ટિન નામનો કોચીનો રહેવાસી કેરળના ત્રિશૂર જિલ્લામાં કોડાકારા નગરમાં પોલીસને શરણે આવી ગયો છે. સવારે કરાયેલા બોમ્બ ધડાકાઓમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને બીજાં 45 જેટલા લોકોને ઈજા થઈ છે. જેમાંના કેટલાકની ઈજા ગંભીર પ્રકારની છે.

(ડોમિનિક માર્ટિનના ફેસબુક પેજની તસવીર)

માર્ટિને પોલીસ સ્ટેશનમાં જઈને ધડાકાઓની જવાબદારી લીધી હતી. પોતાના દાવાના ટેકામાં એણે પુરાવા પણ રજૂ કર્યા હતા. પોલીસે કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે માર્ટિનના દાવા સાચા છે કે નહીં અને તેણે આવું કૃત્ય કયા કારણોસર કર્યું હતું. માર્ટિને કહ્યું કે તે ખ્રિસ્તીઓના ધાર્મિક જૂથ યેહોવા વિટનેસીસનો અનુયાયી છે. આ જૂથ/સંપ્રદાય મૂળ 19મી સદીમાં અમેરિકામાં હતું.