ભારતીય રેલવે કરાર આધારિત કર્મચારીઓના શ્રમ અધિકારોના અમલ માટે ઇ-એપ્લિકેશન વિકસાવશે

નવી દિલ્હીભારતીય રેલવે કરાર આધારિત કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન, વેતન ચૂકવણી, વગેરે જેવા મજૂર અધિકારોના ખાતરીબદ્ધ અમલને લગતી બાબતો માટે ખાસ ઇ-એપ્લિકેશન વિકસાવી રહી છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ શતાબ્દી, રાજધાની, દુરન્તો વગેરે જેવી વિવિધ લાંબા અંતરની ટ્રેનોના રેલવે કોચમાં પરિચારકો તરીકે સેવા આપતા કર્મચારીઓની તકલીફો અંગે રેલવે પ્રધાનને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી હતી.જેના જવાબમાં કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતીય રેલવે ઇ-એપ્લીકેશન કોન્ટ્રાક્ટ, લેબર પેમેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ ઓન ઇન્ડિયન રેલવે” વિકસાવી રહી છે, જેમાં રેલવે ઠેકેદારો સાથે સંકળાયેલા કરાર આધારીત કર્મચારીઓના નામ, સરનામા, આધાર નંબર, બેંક વિગતો, વેતન ચૂકવણી, વગેરે જેવી વિગતો ઠેકેદારો દ્વારા દાખલ કરવામાં આવશે. આ  ઇ-એપ્લિકેશન  કોન્ટ્રાક્ટ સ્ટાફ માટે લઘુતમ વેતન, વેતન ચૂકવણી વગેરે જેવી મજૂર અધિકારોની બાબતોની અમલવારીને સુનિશ્ચિત કરશે.

નથવાણીએ તેમના પત્રમાં કોચ પરિચારકો તરીકે સેવા આપતા કર્મચારીઓને ચૂકવવામાં આવતા નીચા પગાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, કોચના પરિચારક કર્મચારીઓને માત્ર બે જોડી ગણવેશ આપવામાં આવે છે, જેથી તેમને ગણવેશને સ્વચ્છ અને સુઘડ રાખવાનો કે ઇસ્ત્રી કરવાનો સમય મળતો નથી. તદ્ઉપરાંત ટ્રેનના આગમન અને પ્રસ્થાન વચ્ચેના ટૂંકા ગાળાને લીધે આ કર્મચારીઓને આરામ કરવા માટે પણ પૂરતો સમય મળતો નથી.આ બાબતોમાં ઘટતું કરવા તેમ જ કરારના સંદર્ભમાં મૂળભૂત ફેરફારો કરી કામ કરવાની પરિસ્થિતિઓ, વેતન માળખાં અને કોચ પરિચારકોની સુવિધાઓ સુધારવા માનવતાવાદી અભિગમ અપનાવવા માટે વિનંતી કરી હતી કે નિયુક્ત ઠેકેદારો દ્વારા ભારતીય રેલવે માટે કોન્ટ્રાકટ પર કાર્યરત કામદારોને તમામ મળતા લાભ આપવામાં આવે.

રેલવેમાં 94,165 કોન્ટ્રેક્ટ કર્મચારીઓ છે અને આઉટસોર્સ વર્કની પ્રકૃતિ અને પરિમાણના આધારે સીધી રીતે ઠેકેદારોને આ કામ માટે નિયુક્તિ આપવામાં આવે છે.