મહારાષ્ટ્રના-માછીમારોની બોટ પર પાકિસ્તાનનો-ગોળીબારઃ ભારતે-લીધી ઘટનાની ‘ગંભીર’-નોંધ

મુંબઈઃ ગુજરાતના ઓખા બંદર નજીક અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક ગયા શનિવારે બપોરે લગભગ 4 વાગ્યે પાકિસ્તાન નૌકાદળની શાખા, પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી (પીએમએસએ)ના જવાનોએ એક ભારતીય માછીમારી બોટ પર કરેલા ગોળીબારની ઘટના વિશે ભારતે ગંભીર નોંધ લીધી છે. તે ગોળીબારમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક યુવા માછીમાર શ્રીધર આર. ચામરે (32)નું મૃત્યુ નિપજ્યું છે. શ્રીધર પાલઘર જિલ્લાના સમુદ્રકાંઠા પરના વડરાઈ ગામનો રહેવાસી હતો. તે બોટમાં શ્રીધર ઉપરાંત અન્ય પાંચ જણ હતા. પાકિસ્તાનના ગોળીબારમાં બોટનો એક અન્ય ખલાસી ઘાયલ થયો છે. પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સીએ તે બોટમાંના અન્ય પાંચ જણને અટકમાં લીધા છે.

મહારાષ્ટ્રના માછીમારોની ‘જલપરી’ બોટ પર કરાયેલા ગોળીબારના મુદ્દાને ભારત સરકાર પાકિસ્તાન સાથે રાજદ્વારી સ્તરે ઉઠાવશે. એક સત્તાવાર સૂત્રના જણાવ્યા મુજબ, આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

PMSAનું કહેવું છે કે ભારતના ગુજરાત રાજ્યમાંથી એક બોટ આવતી હતી અને તેણે પાકિસ્તાનના જળવિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. PMSAના પેટ્રોલિંગ જહાજ પરથી તે બોટને આગળ ન વધવાની ચેતવણી આપવામાં આવી હતી, તે છતાં બોટ આગળ વધતી રહી હતી. તે ન અટકતાં PMSA જહાજમાંના જવાનોએ ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હતો. એને કારણે તેમાંના એક ખલાસીનું મરણ નિપજ્યું હતું. તે બોટમાંના તમામ છ ભારતીયોને એમના ઈરાદા વિશે પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસે આ ઘટનાને સમર્થન આપ્યું છે.