પ્રજાસત્તાક દિવસ પરેડ: લશ્કરી તાકાત, સંસ્કૃતિની જોવા મળી ઝલક

નવી દિલ્હી – ભારતવાસીઓ હર્ષોલ્લાસપૂર્વક આજે દેશનો 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આજે સવારે એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં પરંપરા અનુસાર વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતે આજનો પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે બ્રાઝિલના પ્રમુખ જેયર બોલસાનોરાની હાજરીમાં માણ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

રાજપથ યોજવામાં આવેલી રાષ્ટ્રીય પ્રજાસત્તાકદિન પરેડમાં દેશની સૈન્ય તાકાત અને બહુરંગી સાંસ્કૃતિક છટાનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો એ વખતે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને તિરંગાને 21 તોપની સલામી આપવામાં આવી હતી.

પ્રજાસત્તાક દિન પરેડમાં સેનાની ત્રણેય પાંખના જવાનો તથા અન્ય સુરક્ષા દળોનાં જવાનો એકબીજા સાથે કદમ મિલાવીને ચાલ્યા હતા, જે દ્વારા તેઓ સમગ્ર દુનિયાને ભારતનો એવો સંદેશ આપી રહ્યા હતા કે માત્ર અમારા કદમ જ નહીં, પરંતુ તમામ દેશવાસીઓ એકબીજા સાથે કદમ મિલાવીને ચાલે છે.

પ્રજાસત્તાક દિન પરેડના મુખ્ય અંશઃ

  • પરેડમાં એક પછી એક 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સરકારી મંત્રાલયો તથા વિભાગોનાં સુશોભિત ટેબ્લો (ચિત્રરથ) નીકળતા જતા હતા ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, મહિલાઓ અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાની સીટ પરથી ઊભાં થઈને તાળીઓ પાડતાં જોવા મળ્યાં હતાં

  • ગુજરાતનો ચિત્રરથ રાજપથ પર આવ્યો હતો ત્યારે લોકોએ હર્ષનાદો અને તાળીઓથી એને વધાવી લીધો હતો. એમાં રાણીની વાવનું દ્રશ્ય જોવા મળ્યું હતું.
  • ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ ફોર્સના જવાનોએ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અમિત યાદવના નેતૃત્ત્વમાં માર્ચપાસ્ટ કર્યું હતું.
  • 140 એર ડિફેન્સ રેજીમેન્ટના લેફ્ટેનન્ટ વિવેક વિજય મોરેએ પરેડ વખતે એર ડિફેન્સ ટેક્નિકલ કન્ટ્રોલ રડારનું પ્રદર્શન કર્યું હતું.
  • ભારતે ભીષ્મ ટેન્ક દ્વારા દુનિયાને પોતાની લશ્કરી તાકાતનાં દર્શન કરાવ્યા હતા.
  • રાફેલ વિમાનનો ટેબ્લો જેવો પરેડમાં આવ્યો કે લોકોએ તાળીઓ પાડીને એનું સ્વાગત કર્યું હતું. રાફેલ વિમાનો આકાશમાં દુશ્મનોનાં દાંત ખાટા કરવા માટે સક્ષમ છે
  • ભૂમિદળની જુદી જુદી રેજીમેન્ટના જવાનોએ પરેડ કરી હતી.
  • સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના ઊંટ પર સવાર થયેલા જવાનોનાં દળે લોકોનાં દિલ જીતી લીધા હતા.

  • M-17V5 હેલિકોપ્ટરે રાષ્ટ્રીય ધ્વજ તથા સેના ધ્વજ સાથે આકાશમાં ઉડ્ડયન કર્યું હતું
  • નૌકાદળના ટેબ્લોમાં બોઈંગ P-8આઈ લોન્ગ રેન્જ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ અને કોલકાતા વર્ગની ડિસ્ટ્રોયર તથા કલવરી વર્ગની સબમરીન રજૂ કરવામાં આવી હતી
  • નૌકાદળના જવાનોએ બ્રાસ બેન્ડ વગાડ્યું હતું
  • સેના સિગ્નલનું નેતૃત્ત્વ કરનાર ટૂકડીની આગેવાની કેપ્ટન તાન્યા શેરગિલે લીધી હતી
  • ભૂમિદળે T-90 ભીષ્મ ટેન્કને પેશ કરી હતી. ટેન્કના કમાન્ડર હતા કેપ્ટન સન્ની ચહર.
  • DRDO વિભાગ દ્વારા એન્ટી-રડાર સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી
  • શીખ લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટનું નેતૃત્ત્વ તેની છઠ્ઠી બટાલીયનના મેજર અંજુમ ગોરકાએ કર્યું હતું.
  • એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર-વેપન સિસ્ટમ ઈન્ટીગ્રેટેડ રુદ્ર અને 2 એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરો, ધ્રુવ આર્મી એવિએશનમાં ડાયમંડ ફોર્મેશને દર્શકોનું દિલ જીતી લીધું હતું

અગાઉ સવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે જઈને અમર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સેનાનાં જવાનોએ પણ શહીદોને સલામી આપી હતી. આ પહેલી જ વાર બન્યું હતું કે વડા પ્રધાને અમર જવાન જ્યોતિને બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રજાસત્તાક દિન પરેડની વધુ તસવીરો…