નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતમાં બનાવવામાં આવેલી કોરોના વાઈરસ (કોવિડ-19) વિરોધી રસીઓની વ્યાપારી ધોરણે નિકાસને આજથી પરવાનગી આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયને પગલે ભારતનિર્મિત કોરોના રસી મેળવનાર બ્રાઝિલ અને મોરોક્કો દુનિયાના સૌથી પહેલા દેશો બનશે.
આ બંને દેશે કુલ 20 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. કમર્શિયલ કોન્ટ્રાક્ટવાળા કન્સાઈનમેન્ટમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ રસી છે કે ભારત બાયોટેકની કોવેક્સિન રસી છે એ હજી સ્પષ્ટ થયું નથી. આ કન્સાઈનમેન્ટ સાથેની બે અલગ અલગ ફ્લાઈટ આજે રવાના કરવામાં આવી છે. બ્રાઝિલ માટેની ફ્લાઈટ ભારતીય સમય મુજબ આજે વહેલી સવારે 4.15 વાગ્યે રવાના થઈ હતી જ્યારે મોરોક્કો માટેની ફ્લાઈટ સવારે 8 વાગ્યે રવાના થઈ હતી. આ જ પ્રમાણે સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, મોરિશ્યસ, સેશેલ્સ, ઉત્તર આફ્રિકાના દેશો અને મ્યાનમાર માટે પણ કમર્શિયલ સપ્લાયનો ટૂંક સમયમાં આરંભ કરવામાં આવશે. ભારત પડોશી ધર્મ બજાવીને ભૂટાન, માલદીવ, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાને ભારતનિર્મિત કોરોના રસીઓના લાખો ડોઝ ગિફ્ટ તરીકે મોકલાવી ચૂક્યું છે.