કર્ણાટકમાં ડાયનામાઈટ-વિસ્ફોટમાં 10નાં-મોત; મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

બેંગલુરુઃ કર્ણાટકના શિવમોગા જિલ્લાના અબ્બાલાગેરે ગામમાં ગઈ કાલે રાતે લગભગ 10.30 વાગ્યાના સુમારે વિસ્ફોટકો ભરેલી એક ટ્રકમાં પ્રચંડ ધડાકો થતાં ઓછામાં ઓછા 10 જણના મરણ નિપજ્યા છે. ધડાકાને કારણે પડોશના વિસ્તારો પણ હચમચી ગયા હતા. વિસ્ફોટક સામગ્રી ખાણકામ માટે લઈ જવામાં આવતી હોવાનું કહેવાય છે. જિલેટીન ભરેલી ટ્રકમાં ધડાકો થયો હતો. ટ્રકમાં બેઠેલા 8 મજૂરો માર્યા ગયા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે ઘણા ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા, અનેક ઘરોની દીવાલો તથા રસ્તાઓ પર તિરાડો પડી ગઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઘાયલ થયેલા લોકો જલદી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી છે. કર્ણાટક સરકાર ભોગ બનેલાઓને તમામ શક્ય મદદ કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું. ધડાકો થયા બાદ ઘણા લોકોને થયું હતું કે ધરતીકંપ થયો. જિઓલોજિસ્ટ્સને ત્યાં ફોન પર ફોન જવા લાગ્યા હતા, જેમણે કહ્યું હતું કે કોઈ ધરતીકંપ થયો નથી. શિવામોગા જિલ્લાની હદમાં આવેલા ગામમાં ધડાકો થતાં પડોશના ચિકમંગલુરુ અને દાવણગેરે જિલ્લાઓના વિસ્તારોમાં પણ ધ્રૂજારી દેનારો અવાજ સંભળાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]