ઓગસ્ટ કોરો ગયો, સપ્ટેમ્બરમાં ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી

મુંબઈઃ છેક 1901ની સાલ બાદ આ વર્ષે પહેલી વાર દેશમાં ઓગસ્ટનો મહિનો ચોમાસાના વરસાદની દ્રષ્ટિએ સૌથી વધારે કોરો રહ્યો છે. આને કારણે વરસાદની ખાધ ઊભી થઈ છે. પરંતુ, નૈઋત્ય ખૂણેથી ભારતમાં જૂન મહિનામાં પ્રવેશતું ચોમાસું સપ્ટેમ્બરમાં ફરી સક્રિય થવાની ધારણા છે. આને કારણે દેશના મધ્ય અને દક્ષિણી ભાગોમાં સપ્તાહાંતે વરસાદ પડી શકે છે એમ ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રએ જણાવ્યું છે.

સપ્ટેમ્બર મહિનામાં વરસાદ 91-109 ટકાની રેન્જમાં રહે એવી ધારણા છે. આ મહિનામાં સારો એવો વરસાદ પડશે તો પણ જૂનથી સપ્ટેમ્બરના મોસમી સમયગાળાનો સરેરાશ વરસાદ તો દર વર્ષની સરખામણીમાં ઓછો જ રહેશે. વિષુવવૃત્તીય (ભૂમધ્યરેખા)માં આવેલા પ્રશાંત (પેસિફિક) મહાસાગરમાં હવામાનનું ‘એલ નિનો’ પરિબળ સર્જાતાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં દેશમાં વરસાદની ખાધ રહી જવા પામી છે. પરંતુ હવે, અરબી સમુદ્ર અને બંગાળના અખાતની સમુદ્ર સપાટીના તાપમાનમાં સકારાત્મક ફેરફાર થયો છે જે ‘એલ નિનો’ પરિબળની અસરને ઘટાડી શકે છે.