‘હું તારાથી ડરતો નથી’: સમીર વાનખેડેનો શાહરૂખને વળતો જવાબ?

મુંબઈઃ શાહરૂખ ખાનની આગામી હિન્દી ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું. તેનો એક સંવાદ (‘બેટે કો હાથ લગાને સે પહલે, બાપ સે બાત કર’) ચર્ચાસ્પદ બન્યો છે. ઈન્ટરનેટ અને સોશિયલ મિડિયા પર આ ડાયલોગ વિશે અનેક પ્રકારની અટકળો થઈ રહી છે કે શું શાહરૂખે આ ડાયલોગ કોઈ વ્યક્તિને ચોક્કસ રીતે ઉદ્દેશીને ફિલ્મમાં મૂક્યો છે? આ અટકળો તેજ થઈ છે. એનું કારણ છે કેફી દ્રવ્યોના ગેરકાયદેસર ધંધા, વ્યસન વિરુદ્ધ કામ કરતી કેન્દ્ર સરકારી એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેએ એક્સ (ટ્વિટર) પર મૂકેલી એક પોસ્ટ. તે પોસ્ટમાં વાનખેડેએ નિકોલ લાયન્સનું એક અંગ્રેજી વિધાન શેર કર્યું છે, જેમાં કહ્યું છે, ‘આગ સાથે રમત રમવાનું અને મેં સળગાવી દીધેલા દરેક બ્રિજની રાખ પર નાચવાનું મને ગમે છે. હું તારાથી જરાય ડરતો નથી.’

ઘણા નેટયૂઝર્સ હવે એવું ધારવા લાગ્યા છે કે શું વાનખેડેએ આ રીતે શાહરૂખને વળતો જવાબ આપ્યો છે?

શાહરૂખ અને વાનખેડે વચ્ચેનો વિવાદ મુંબઈના સમુદ્રકાંઠા નજીક લાંગરવામાં આવેલા લક્ઝરી ક્રૂઝ જહાજ કોર્ડેલિયા પર 2021ના ઓક્ટોબરમાં બહાર આવેલા ડ્રગ્સ કૌભાંડને લગતો છે. સમીર વાનખેડે, જે તે સમયે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈસ્થિત ઝોનલ ડાયરેક્ટર હતા. એમણે કોર્ડેલિયા જહાજ પર પ્રતિબંધિત કેફી દ્રવ્ય પકડી પાડ્યું હતું અને ડ્રગ્સની ગેરકાયદેસર વહેંચણીના કેસમાં કથિત સંડોવણીના આરોપસર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ બીજી અનેક ઘટનાઓ બની હતી જેને કારણે સમીર વાનખેડે જ આરોપી બની ગયા. એમની પર આરોપ છે કે એમણે આર્યન ખાન ધરપકડ કેસમાં લાંચ લીધી હતી.