શાહરૂખના ‘જવાન’નું ટ્રેલર ધમાકેદાર; નેટયૂઝર્સે વખાણ્યું

મુંબઈઃ શાહરૂખ ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. ટ્રેલર એક્શન અને અસરદાર સંવાદોથી ભરપૂર છે. બે મિનિટ અને 45 સેકંડના આ ટ્રેલરનો આરંભ શાહરૂખ ખાનના સ્વરથી થાય છેઃ ‘એક રાજા થા. એક કે બાદ એક જંગ હારતા ગયા… ભૂખા પ્યાસા ઘૂમ રહા થા જંગલ મેં, બહુત ગુસ્સે મેં થા.’

ટ્રેલરમાં લોહીથી ખરડાયેલા હાથ સાથે અને ખૂબ પાટાપીંડી કરેલા શાહરૂખને બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ અપહરણ થાય અને કાર ચેઝિંગના દ્રશ્યો છે, બંદૂકો ફૂટે છે. એક દ્રશ્યમાં માથે ટકલુ શાહરૂખને એક મેટ્રો ટ્રેનમાં પ્રવાસીઓને બાનમાં પકડેલા જોઈ શકાય છે. એને એક સવાલ પૂછવામાં આવે છે, ‘યે બતાઓ તુમ્હે ચાહિયે ક્યા?’ ત્યારે શાહરૂખ જવાબમાં કહે છે, ‘ચાહિયે તો આલિયા ભટ્ટ.’

એટલી દિગ્દર્શિત ‘જવાન’ ફિલ્મના ટ્રેલરમાં શાહરૂખને વિલનની ભૂમિકા ઉપરાંત એક જવાન (સૈનિક) તરીકે પણ બતાવવામાં આવ્યો છે. તદુપરાંત સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, નયનતારા અને દીપિકા પદુકોણ જેવી હિરોઈનોની પણ ઝલક બતાવવામાં આવે છે. દીપિકા અને શાહરૂખનો એક ફાઈટ સીન પણ છે.

આ ફિલ્મમાં દક્ષિણી ફિલ્મોનો અભિનેતા વિજય સેતુપતિ શસ્ત્રોના સોદાગર અને ‘કાલી’ નામના ખલનાયકની ભૂમિકા કરી રહ્યો છે. એક એક્શન-પેક્ડ દ્રશ્યમાં શાહરૂખ ખાન બોલે છેઃ ‘બેટે કો હાથ લગાને સે પહલે બાપ સે બાત કર.’

‘જવાન’ ફિલ્મ આવતી 7 સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં વિશ્વ સ્તરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.