નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે નૈઋત્યના ચોમાસાનો વરસાદ નોર્મલ રહેવાની ધારણા છે. મતલબ કે 99 ટકા વરસાદની સંભાવના છે. જૂનથી સપ્ટેમ્બરના મહિનાઓ દરમિયાન સરેરાશ વરસાદ હવે 868.6 મિ.મી. ગણાશે, જે આંક પહેલા 880.6 મિ.મી. હતો. આ વખતે નવી સરેરાશની તુલનામાં 99 ટકા વરસાદની સંભાવના છે. 96-104 ટકા વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં બેહતર વરસાદનું અનુમાન છે. પૂર્વોત્તર ભારતના અમુક ભાગમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસાની સાથોસાથ ‘લા-નીના’ હવામાન પ્રક્રિયાની અસર પણ જોવા મળશે. જુલાઈંમાં ચોમાસું સરસ રહેશે. ઓગસ્ટ જવા સુધીમાં લા-નીના ન્યૂટ્રલ સ્થિતિમાં આવી જશે.
હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટ દ્વારા પણ આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. સામાન્ય વરસાદની આશા 65 ટકા રખાય છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે આ સારો સંકેત છે.