મુંબઈમાં ડીરેલમેન્ટ; મધ્ય-રેલવે વિભાગ પર ટ્રેનસેવાને અસર

મુંબઈઃ પૂર્વ મુંબઈના મુલુંડ રેલવે સ્ટેશન નજીક ગઈ કાલે રાતે ફાસ્ટ લાઈન (મધ્ય રેલવે) પર દાદર-પુડુચેરી એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. સદ્દભાગ્યે તે અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. બે ડબ્બાને પાટા પર ફરી ચડાવી દેવામાં આવ્યા છે. ત્રીજા ડબ્બાનું કામ આજે સવારે ચાલુ હતું. એને કારણે લાંબા અંતરની તથા ઉપનગરીય ટ્રેન સેવાને અસર પહોંચી છે. લાંબા અંતરની કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે તો કેટલીકની સફર મુંબઈને બદલે અન્ય સ્ટેશને સમાપ્ત કરી દેવામાં આવી છે. મધ્ય રેલવે દ્વારા ટ્વિટર હેન્ડલ પર આ વિશે અપડેટ સમાચાર પોસ્ટ કરવામાં આવ્યા છે. ગઈ કાલે રાતે લગભગ 9.30ના સુમારે દાદર-પુડુચેરી ચાલુક્ય એક્સપ્રેસ મુલુંડ સ્ટેશન નજીક મુંબઈ સીએસએમટી ગડગ એક્સપ્રેસ સાથે સહેજ અથડાઈ હતી. એને કારણે ચાલુક્ય એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.

ડીરેલમેન્ટ કામગીરીનો અંત લાવવા માટે આઠેક કલાક લાગશે એમ મધ્ય રેલવેએ ગઈ કાલે રાતે જણાવ્યું હતું. કેટલીક ટ્રેનોને મુલુંડ સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. પ્રવાસીઓ રોડ માર્ગે એમની આગળની સફરે જઈ શકશે, એમ મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલકુમાર લહોટીએ જણાવ્યું છે.

ગઈ કાલે રાતે 10.45 વાગ્યે સ્લો લાઈન પર ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. ઉપનગરીય ટ્રેનોને માત્ર સ્લો લાઈન પર દોડાવવામાં આવી હતી. અપ-ફાસ્ટ લાઈન પર ટ્રેનસેવા આજે સવારે 8.30 વાગ્યાથી ફરી શરૂ કરી શકાયો હતો. રેલવેએ અકસ્માતના કારણ માટે તપાસ શરૂ કરી દીધી છે. ડીરેલ થયેલી ટ્રેનના તમામ પ્રવાસીઓને તરત જ ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને એ બધા તેમજ એમનો સામાન, બધું સુરક્ષિત સ્થિતિમાં હતું. ડબ્બા ખડી પડવાથી ઈલેક્ટ્રિક લાઈન અને થાંભલાને નુકસાન થયું હતું. અકસ્માત બાદ દાદર-પુડુચેરી એક્સપ્રેસ અને ગડગ એક્સપ્રેસ રદ કરી દેવામાં આવી હતી. તે ટ્રેનોના પ્રવાસીઓને ત્રણ દિવસમાં કોઈ પણ PRS સેન્ટરમાંથી રીફંડ મળી જશે.