નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લગભગ 100 મિનિટ સુધી ભાષણ આપ્યું, જેમાં તેમણે પૂર્વ પીએમ નેહરુથી લઈને પાકિસ્તાનના ઉલ્લેખ સાથે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા. ભાષણ વચ્ચે જ્યારે રાહુલ ઊભા થઈને કંઈક બોલવા લાગ્યા તો મોદીએ તેમની તુલના ‘ટ્યુબ લાઈટ’સાથે કરી હતી. વડાપ્રધાને કહ્યું કે- હું છેલ્લી 30-40 મિનિટથી બોલી રહ્યો છું. તેમના સુધી(રાહુલ) કરંટ પહોંચતા આટલો વખત લાગી જાય છે. ઘણી ટ્યુબ લાઈટ આવી હોય છે.
દિલ્હીની એક રેલીમાં બુધવારે રાહુલ ગાંધીએ મોદી પર કરેલી ટિપ્પણીનો પીએમ મોદીએ સંસદમાં જવાબ આપતા કહ્યું કે, હું સ્વીકારું છું કે એક પણ કોંગ્રેસી નેતાએ 70 વર્ષમાં ક્યારેય આત્મસંતુષ્ટિ અનુભવી નથી. મોદીએ રાહુલનું નામ લીધા વગર કહ્યું કે, ગઈ કાલે એક કોંગ્રેસ નેતાએ કહ્યું કે, યુવાનો મોદીને ડંડાથી મારશે. 6 મહિના પછી બાદ તેઓ ઘરની બહાર નહીં નીકળી શકે. હું આવતા 6 મહિના સુધી સૂર્યનમસ્કાર વધારે વખત કરીશ અને પીઠ મજબૂત કરીશ. જેથી કોઈ પણ ડંડો મારી શકે.
વડાપ્રધાને લોકસભામાં કહ્યું કે, હું વીસ વર્ષથી ગંદી ગંદી ગાળો સાંભળતો આવ્યો છું એટલા માટે હવે મેં મારી જાતને ગાળોપ્રૂફ બનાવી લીધી છે. અને ડંડા પ્રૂફ પણ…
આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી લોકોને મૂળ મુદ્દાઓ પરથી ભટકાવી રહ્યા છે. તેઓ કોંગ્રેસ અને પાકિસ્તાનની વાતો કરે છે, પરંતુ બેરોજગારી પર એક શબ્દ નથી બોલતા. આજે સૌથી મોટો મુદ્દો બેરોજગારી અને નોકરીઓનો છે. અમે વડાપ્રધાનને ઘણી વાર પૂછ્યું છે, પરંતુ તેઓ આ મુદ્દે એક શબ્દ પણ બોલતા નથી.