નિર્ભયા કેસ: દોષિતોના નવા ડેથ વોરંટ માટે કાલે સુનાવણી

નવી દિલ્હી: નિર્ભયા કેસના ચારેય દોષિતોને ફાંસીની સજા માટે નવા ડેથ વોરંટ ઈશ્યૂ કરવા તિહાર જેલ પ્રશાસને ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર ટ્રાયલ કોર્ટના જજ ધર્મેન્દ્ર રાણાએ તમામ પક્ષો પાસેથી જવાબ માગ્યો છે. જેમાં નિર્ભયાના ચારેય દોષિતો અક્ષય સિંહ ઠાકુર, મુકેશ સિંહ, વિનય કુમાર શર્મા અને પવન ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. તિહાર જેલ પ્રશાસનની આ અરજી પર ટ્રાયલ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે.

17 જાન્યુઆરી 2020ના રોજ નીચલી અદાલતે મુકેશકુમાર સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર સામે 2 ફેબ્રુઆરી માટે બીજી વખથ ડેથ વોરંટ જાહેર કર્યું હતું. ડેથ વોરંટ અટકાવવાના નિર્ણયને ગૃહ મંત્રાલયે હાઈકોર્ટમાં પડકારતા આરોપ લગાવ્યો હતો કે, દોષિતો કાયદાનો દૂરપયોગ કરી રહ્યા છે, જેથી તેને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ. તો આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, તમામ દોષિતોની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ફાંસીની કાર્યવાહી અટકાવી દેવામાં આવે અને તમામને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવાની મંજૂરી આપવામાં આવે.

હાઈકોર્ટનો નિર્ણય આવ્યા પછી નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, તે આ નિર્ણયથી સંતુષ્ટ છે, પણ તમામ આરોપીઓને ફાંસીના માચડે લટકાવ્યા પછી જ મને ખુશી મળશે. આરોપી અક્ષયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. અત્યાર સુધીમાં ચારમાંથી ત્રણ મુકેશ, વિનય અને અક્ષયની દયા અરજી કરવામાં આવી છે. હવે આ ત્રણેયના તમામ કાયદાકીય રસ્તાઓ બંધ થઈ ગયા છે.