શંભુ બોર્ડરને એક સપ્તાહમાં ખોલવાનો હાઇકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનને લઈને છેલ્લા પાંચ મહિનાથી બંધ અંબાલાની શંભુ બોર્ડરના મામલામાં હાઇકોર્ટે હરિયાણા સરકારને બોર્ડરથી બેરિકેડ દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આ રસ્તાને એક સપ્તાહમાં શરૂ કરવામાં આવે. ત્યાર બાદ દિલ્હીથી ચંડીગઢ જતા નેશનલ હાઇવે આશરે પાંચ મહિના પછી શરૂ થઈ જશે. અહીં પંજાબના ખેડૂતો સતત ધરણાં પર બેઠા છે.

પંજાબ-હરિયાણાની સરહદે શંભુ બોર્ડર પર 13 ફેબ્રુઆરીથી ખેડૂતોનાં ધરણાં જારી છે. એને કારણે શંભુ બોર્ડર પર કેન્દ્રીય સુરક્ષા દળ અને હરિયાણા પોલીસ જવાન તહેનાત છે. અહીં દિલ્હી ચંડીગઢ નેશનલ હાઇવેનો કેટલોક ભાગ બંધ હતો. હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે પંજાબ અને હરિયાણા સરકાર આ નેશનલ હાઇવેને ખોલવા માટે કાયદો વ્યવસ્થા જાળવે.

 હાઇકોર્ટના વકીલ વાસુ રંડન શાંડિલ્યએ શંભુ બોર્ડર ખોલાવવા માટે હાઇકોર્ટના જનહિત અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી હરિયાણાની શંભુ બોર્ડરે પંજાબના ખેડૂતો ધરણાં કરી રહ્યા છે. એનાથી અંબાલાના વેપારને અસર પડી રહી છે. આ સિવાય લોકોની આવ-જામાં પણ ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. એ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના આંદોલનને કારણે છેલ્લા પાંચ મહિનાથી NH-44 બંધ છે. શાંડિલ્યએ અરજીમાં કહ્યું હતું કે પંજાબ અને હરિયાણા સરકાર સહિત કિસાન નેતા સ્વર્ણ સિંહ પંધેર અને જગજિત સિંહ ડલ્લેવાલને પણ પાર્ટી બનાવવામાં આવ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ બોર્ડરના બંધ થવાથી NHIને રૂ. 108 કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે.