નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના એલાન સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે. ચોરે ને ચૌટે રાજ્યમાં કોની સરકાર બનશે એની ચર્ચા ચાલી રહી છે. રાજ્યમાં ત્રીજી વાર સત્તા મેળવવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં રહેલા કોંગ્રેસે આપ સાથે સીટ વહેંચણી મુદ્દે સમજૂતી સાધી છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ 90 સીટો છે. રાજ્યમાં એક બાજુ કોંગ્રેસે મતો વહેંચાઈ ના જાય એ માટે આપ પાર્ટી સાથે સીટ વહેંચણી કરી છે, જ્યારે ભાજપે રાજ્યમાં એન્ટિ ઇનકબન્સીને ખાળવા માટે મનોહરલાલ ખટ્ટરને સ્થાને નાયબ સિંહ સૈનીને CM બનાવ્યા છે. જેને જનતા પાર્ટીનું સારુ પગલું માની રહી છે. સૈનીનો પછાત વર્ગમાં દબદબો છે. તેમનામાં જીતવાની ક્ષમતા છે. જોકે હાલમાં લોકસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસે સાથે મળીને લડી હતી, જેનાથી ગઠબંધનને લાભ થયો હતો.હવે આ બંને પક્ષોનું ગઠબંધન વિધાનસભાની ચૂંટણીમાં પણ થયું છે, જેમાં કોંગ્રેસ આપને પાંચ સીટ આપવા સહમત થઈ છે. કોંગ્રેસે આપ માટે પાંચ સીટ અને સમાજવાદી પાર્ટી માટે એક અને ડાબેરી પક્ષ માટે એક સીટની ફાળવણી કરી છે. આપ સાંસદ સંજય સિંહે પણ કોંગ્રેસ સાથેના ગઠબંધને આવકાર્યું હતું.
બીજી બાજુ, એક તાજા સર્વેમાં જનતે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ સીટો આપી છે. કોંગ્રેસને પસંદ કરવાવાળા 44 ટકા લોકોની તુલનાએ 53 ટકા લોકોનું માનવું છે કે ભાજપ ફરી સત્તામાં આવશે.
રાજ્યમાં થયેલા સર્વે અનુસાર આ વખતે ચૂંટણીમાં મોદી ફેકટર પણ મહત્ત્વનું સાબિત થશે. સર્વેના હિસાબે 37 મતાદાતા, મોદી ફેકટરને મહત્ત્વનું માને છે, જ્યારે 31 ટકા લોકોનું માનવું છે કે એની બિલકુલ અસર નહીં થાય. જોકે ઘણા મતદાતાઓ રાજ્યમાં એન્ટિ ઇન્કમબન્સીને પણ નકારતા નથી.,