સરકારે સોશિયલ મિડિયાના ઉપયોગ માટે વયમર્યાદા નક્કી કરવી જોઈએઃ HC

બેંગલુરુઃ સોશિયલ મિડિયાના ઉપયોગ કરવા માટે ઉંમરને લઈને કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં સોશિયલ મિડિયાના ઉપયોગ કરવામાટે વયમર્યાદા નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ. હાઇકોર્ટે એક મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે સોશિયલ મિડિયાના ઉપયોગ માટે લોકોની વય કમસે કમ 21 હોવી જોઈએ.
કર્ણાટક હાઇકોર્ટમાં બે જસ્ટિસની ખંડપીઠે કહ્યું હતું કે જો યુવકો અને ખાસ કરીને સ્કૂલનાં બાળકો માટે સોશિયલ મિડિયાનો પ્રતિબંધ મૂકવામાં આવે તો એ દેશ માટે સારું હશે. એ સાથે કોર્ટે સલાહ આપતાં કહ્યું હતું કે જે ઉંમરમાં તેમને મત આપવાનો અધિકાર મળે છે, ત્યારે તેમને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાની તક મળવી જોઈએ. આ વય 21 અથવા 18 હોઈ શકે છે.
વાસ્તવમાં જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટિલની ખંડપીઠે X કોર્પ (ટ્વિટર)ની અપીલની સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું હતું કે સ્કૂલ જવાવાળાં બાળકોને સોશિયલ મિડિયાની લત લાગી ચૂકી છે.

શું છે મામલો?

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરફથી સિંગલ જજની પીઠના આદેશને પડકાર આપતી અપીલ પર સુનાવણી કરતાં હાઇકોર્ટે ઉપર મુજબની ટિપ્પણી કરી હતી. કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના વિવિધ આદેશોની વિરુદ્ધ એક્સની અરજી ફગાવી દીધી હતી.
મંત્રાલયે બીજી ફેબ્રુઆરી, 2021 અને 28 ફેબ્રુઆરી, 2022ની વચ્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અધિનિયમની કલમ 69 A હેઠળ 10 સરકારી આદેશ જારી કર્યા હતા. ટ્વિટરે એમાં 39 URLથી જોડાયેલા આદેશોને પડકાર આપ્યો હતો.