X યુઝર્સે હવે માસિક ફી ચૂકવવી પડે એવી શક્યતા

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X (ભૂતપૂર્વ ટ્વિટર)ના માલિક એલન મસ્કનો ઇરાદો Xના ઉપયોગ કરનારા યુઝર્સ પાસેથી માસિક ફીસ વસૂલવાનો છે. મસ્કનું કહેવું છે કે X પ્લેટફોર્મ પર હાલ બોટ્સ (Bots)ની સમસ્યાના ઉકેલ માટે આવું કરવું જરૂરી છે. જોકે તેમણે એ વાતે સ્પષ્ટતા નહોતી કરી કે તેઓ મન્થલી ફીસ લેવાનું ક્યારથી શરૂ કરશે. સ્પેસએક્સ અને ટેસ્લા માલિકે ગયા વર્ષે ટ્વિટરને ખરીદી હતી. ત્યાર બાદ તેમણે આમાં અનેક ફેરફાર કર્યા છે.

મસ્કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુની સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે પ્લેટફોર્મ પર બોટ્સની સંખ્યા વધી ગઈ છે. બોટ્સ એટલે નકલી અકાઉન્ટ્સની સમસ્યાથી નિપટવા એકમાત્ર ઉપાય સ્મોલ મન્થલી પેમેન્ટ જ છે. તેમણે કહ્યું હતું કે Xના હાલના 55 કરોડ માસિક યુઝર્સ છે, જે પ્રતિ દિન 100-200 મિલિયન પોસ્ટ કરે છે અને એમાં કેટલાક બોટ્સ પણ સામેલ છે, જેના ઉપાય રૂપે પ્રતિ દિન કેટલીક ફી લેવામાં આવશે.

ઇઝરાયલના PM નેતાન્યાહુએ જ્યારે મસ્કને પૂછ્યું હતું કે X બોટ્સ પર કેવી રીતે કાબૂ મેળવશે, જે નફરત ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મસ્કે એના જવાબમાં કહ્યું હતું કે બધા યુઝર્સ પાસેથી માસિક ફી વસૂલવાની યોજના છે. જોકે તેમણે ખુલાસો નહોતો કર્યો કે યુઝર્સે Xના ઉપયોગ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે. X પ્રીમિયમ માટે હાલ અમેરિકામાં પ્રતિ મહિને આઠ ડોલર ચૂકવવા પડે છે. આ ફીસ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ છે. તેઓ યુઝર્સ માટે સસ્તો વિકલ્પ લાવવા પર વિચાર કરી રહ્યા છે, એમ મસ્કે કહ્યું હતું.