નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે આ વર્ષના ઓગસ્ટ અને ડિસેમ્બર મહિનાઓ વચ્ચે દેશનાં નાગરિકો માટે કોરોનાવાઈરસની રસીઓનાં 216 કરોડ (બે અબજથી પણ વધારે) ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પૌલે કહ્યું છે કે દેશની સમગ્ર વસ્તીને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે આટલી સંખ્યાના ડોઝ પર્યાપ્ત બની રહેશે. રસી બધાયને માટે ઉપલબ્ધ કરવામાં આવશે. એટલું જ નહીં, રસીનાં ડોઝનો આંકડો 2022ના પહેલા ત્રિમાસિક ગાળા સુધીમાં 300 કરોડ પર પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.
રશિયાની ‘સ્પુતનિક-વી’ રસીનું આવતા અઠવાડિયે માર્કેટમાં આગમન
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે રશિયાની ગમાલીયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડીમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી દ્વારા બનાવવામાં આવેલી ‘સ્પુતનિક V’ કોરોના પ્રતિરોધક રસી આવતા અઠવાડિયાના આરંભમાં જ દેશભરમાં બજારોમાં ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે રશિયા તરફથી ભારતને ‘સ્પુતનિક V’ રસીના એક લાખ 50 હજાર ડોઝનું પહેલું કન્સાઈનમેન્ટ 12 દિવસ પહેલાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ જથ્થો હૈદરાબાદમાં ઉતારવામાં આવ્યો હતો. દેશમાં નાગરિકોને આપવામાં આવનાર હાલ આ ત્રીજી રસી હશે. આ પહેલાં ‘કોવિશીલ્ડ’ અને ‘કોવેક્સીન’ રસીઓને મંજૂરી આપવામાં આવી ચૂકી છે અને હાલ તે નાગરિકોને આપવામાં આવી રહી છે.