ટાઈમ્સ ગ્રુપનાં ચેરપર્સન ઈન્દુ જૈન (84)નું અવસાન

મુંબઈઃ દેશના અગ્રગણ્ય અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તથા એના સાથી પ્રકાશનો સંચાલિત ટાઈમ્સ ગ્રુપનાં ચેરપર્સન ઈન્દુ જૈનનું ગઈ કાલે રાતે અવસાન થયું છે. તે 84 વર્ષનાં હતાં. ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, ઈન્દુ જૈને ગઈ કાલે રાતે 9.35 વાગ્યે આખરી શ્વાસ લીધો હતો. એમને કોરોનાવાઈરસ બીમારી સંબંધિત તકલીફો ઊભી થઈ હતી.

એક ટ્વીટમાં ન્યૂઝ ચેનલે ઈન્દુ જૈનને આધ્યાત્મિક્તાનાં હિમાયતી, દાનેશ્વરી, કળાક્ષેત્રનાં મોભી અને મહિલાઓનાં અધિકારોનાં રક્ષણનાં પ્રણેતા તરીકે ઓળખાવ્યાં હતાં. ઈન્દુ જૈન 1999માં ટાઈમ્સ ગ્રુપનાં ચેરમેન બન્યાં હતાં. કંપનીની સખાવતી પ્રવૃત્તિઓ સંભાળનાર ટાઈમ્સ ફાઉન્ડેશન સંસ્થાનાં તે સ્થાપક પણ હતાં. તે ઉદ્યોગ સંચાલન સંસ્થા FICCIની લેડિઝ ઓર્ગેનાઈઝેશનનાં સ્થાપક પ્રમુખ પણ હતાં. એમને 2016માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈન્દુ જૈનનાં નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.