બાગપતઃ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક નવા કૃષિ કાયદાને લઈને આંદોલનકારી ખેડૂતોના ટેકામાં આવી ગયા છે. દિલ્હીથી ખેડૂતોને દબાણ અને અપમાનિત કરીને ખાલી નહીં મોકલતા, કેમ કે હું જાણું છું કે સરદારોને, 300 વર્ષ એ કંઈ ભૂલતા નથી, જે દેશના ખેડૂત અને જવાન જસ્ટિફાઇડ ના થાય, એ દેશને કોઈ બચાવી નહીં શકે, એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક પોતાના ગૃહ બાગપત પહોંચ્યા હતા. અહીં તેઓ અમીનગર સરાયમાં અભિનંદન સમારોહમાં સામેલ થયા હતા. દેશમાં ખેડૂતોની સ્થિતિને ખરાબ જણાવતાં તેમણે કહ્યું હતું કે સરકારે ખેડૂતો વિસે વિચારવું જોઈએ, કેમ કે ખેડૂતોની સ્થિતિ કફોડી છે. MSPને કાયદાના દાયરામાં લાવવામાં આવે તો તેઓ ખેડૂતો આંદોલન ખતમ કરાવી દેશે, એમ તેમણે કહ્યું હતું.
ખેડૂત નેતા રાકેશ ટિકેતની ધરપકડ અટકાવવાનો તેમણે દાવો કરતાં કહ્યું હતું કે જ્યારે મને તેમની ધરપકડના ભણકારા સંભળાયા તો ફોન કરીને એને મેં અટકાવી હતી. હું ખેડૂતોને વિશ્વાસ અપાવું છું કે જેટલું બનશે તેટલું હું તેમના માટે કરીશ, કેમ કે મને ખેડૂતોની તકલીફ ખબર છે.
હું પણ એક ખેડૂત પરિવારમાંથી છું, એટલે તેમની સમસ્યાને સારી રીતે સમજી શકું છું. ગવર્નરે ચૂપ રહેવું પડે છે અને માત્ર હસ્તાક્ષર કરવાના હોય છે. કોઈ પણ મુદ્દે બોલવાનું નથી હોતું, પણ હું જરૂર બોલીશ, એમ તેમણે કહ્યું હતું. ખેડૂતો પર બળ પ્રયોગ નહીં કરવાની વિનંતી પણ તેમણે કરી હતી.