રૂ.2000ની નવી નોટ બે વર્ષથી છપાઈ નથી

નવી દિલ્હીઃ કેન્દ્રના નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે આજે લોકસભામાં જણાવ્યું હતું કે રૂ. 2000ના મૂલ્યની નવી કરન્સી નોટ છેલ્લા બે વર્ષથી છપાઈ નથી. દેશની આ સૌથી ઊંચા મૂલ્યવાળી ચલણી નોટની માત્રા હવે ઘટી ગઈ છે. એપ્રિલ-2019થી 2000ની નવી નોટ છાપવામાં આવી નથી. ઊંચા મૂલ્યની કરન્સી નોટના સંગ્રહને રોકવા અને તેમ કરીને કાળા નાણાંના દૂષણને રોકવાના પ્રયાસ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઠાકુરે લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે 2018ની 30 માર્ચે રૂ.2000ની 3,362 લાખ (મિલિયન) કરન્સી નોટ ચલણમાં હતી. 2021ની 26 ફેબ્રુઆરીએ આ મૂલ્યની 2,499 લાખ નોટ ચલણમાં હતી. જનતાને સોદાઓ કરવામાં સરળતા બની રહે એવી માગણીને ધ્યાનમાં રાખીને કોઈ ચોક્કસ મૂલ્યની બેન્કનોટ્સને છાપવા વિશે સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક સાથે મળીને નક્કી કરે છે. 2019-20 અને 2020-21 વર્ષોમાં રૂ.2000ના મૂલ્યની બેન્કનોટ્સ છાપવા માટે પ્રેસ (છાપખાનાઓ)ને કોઈ નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી. કાળા નાણાં અને નકલી કરન્સીના દૂષણને ડામવા માટે 2016ના નવેમ્બરમાં કેન્દ્ર સરકારે રૂ.500 અને રૂ.1000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધા બાદ એની જગ્યાએ રૂ.2000ના નવા મૂલ્યની નોટ ચલણમાં મૂકવામાં આવી હતી. 2000 ઉપરાંત રૂ. 5, 10, 20, 50, 100, 500 અને રૂ. 200ના મૂલ્યની નોટો ચલણમાં છે.