કેન્દ્ર સરકારે 18 OTT એપ્સ સહિત 19 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફરી એક વાર ડિજિટલ સ્ટ્રાઇક કરતાં 18 OTT એપ્સ, 19 વેબસાઇટ, 10 એપ્સ સહિત 57 સોશિયલ મિડિયા હેંડલ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ્સને કેટલીય વાર ચેતવણી જારી કરી હતી. આ પ્લેટફોર્મ્સ IT એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે આ OTT પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યાં હતાં. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી દૂર કરવામાં આવી છે. આ 18 OTT પ્લેટફોર્મ્સને ગંદા કન્ટેન્ટ દૂર કરવા માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેટલીય વાર ચેતવણી જારી કરવામાં આવી હતી.

જે 18 OTT એપ્સને દૂર કરવામાં આવી છે, એમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix  અને PrimePlay સામેલ છે.

સરકારનું કહેવું છે કે આ એપ્સ અને પ્લેટફોર્મ્સ પર આ પ્રતિબંધ IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA (Indecent Representation of Women Prohibition Act) 1986ની કલમ ચાર હેઠળ લગાવવામાં આવ્યો છે.આ પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સમાં એકના ગૂગલ પ્લે સ્ટોર પર એક કરોડથી વધુ ડાઉનલોડ્સ હતા. જ્યારે બે એપ્સને 50 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્સ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X અને યુટ્યુબ પર ગંદા કન્ટેન્ટસવાળી ફિલ્મોના ટ્રેલર પ્રસારિત કરી રહ્યા હતા. આવી 57 સોશિયલ મિડિયા હેન્ડલને પણ બ્લોક કરવામાં આવ્યા છે. આવા કન્ટેન્ટવાળા ફેસબુકથી 12, ઇન્સ્ટાગ્રામથી 17, Xથી 16 અને યુટ્યુબથી 12 ચેનલ્સને બ્લોક કરવામાં આવી છે.