અજ્ઞાત ઠગો સામે સોનૂ સૂદની પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ દ્વારા ચલાવાતી ચેરિટી સંસ્થા ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન’ના નામે કેટલાક ઈસમો લોકોને ઠગી રહ્યા છે, એમને મદદ કરવાના બહાને દુઃખી લોકોને લૂંટી રહ્યા છે એ વિશે સૂદે મુંબઈમાં ફરિયાદ નોંધાવી છે. ઠગ લોકોએ સોનૂ સૂદના નામે લેટરહેડ છપાવ્યા છે. એક લેટરહેડને સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. એક નકલી ફોન નંબર પણ આપ્યો છે. સોનૂએ લોકોને આ વિશે ચેતવ્યા છે.

વાસ્તવમાં, હૈદરાબાદના અહેવાલ મુજબ, સાઈબરાબાદ પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે સોનૂ સૂદે શરૂ કરેલી એક ચેરિટી સંસ્થા માટે કામ કરતા હોવાનો દાવો કરતા કેટલાક લોકોની એક ટોળકીથી ચેતશો. આ ઠગ લોકો સૂદ ચેરિટી ફાઉન્ડેશનના કર્મચારીઓ હોવાનો ઢોંગ કરે છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર એમના ફોન નંબરો પોસ્ટ કર્યા છે. એક કિસ્સામાં, શિકાર બનેલા એક જણે ઈન્ટરનેટ પર સૂદના કોન્ટેક્ટની વિગત માટે સર્ચ કર્યું હતું અને એને ઠગ લોકોએ પોસ્ટ કરેલો નંબર મળ્યો હતો. એણે તે નંબર પર ફોન કર્યો ત્યારે એક ઠગે પોતે ફાઉન્ડેશનનો કર્મચારી પંકજસિંહ ભદૌરિયા છે એમ કહીને એની ફરિયાદો સાંભળી હતી. શિકાર બનેલી વ્યક્તિએ જ્યારે રૂ. 10,000ની મદદ કરવા કહ્યું હતું ત્યારે ઠગે એ વ્યક્તિના પરિવાર વિશેની વિગતો માગી હતી, જેમ કે, આધાર કાર્ડ નંબર અને બેન્ક એકાઉન્ટ વિગત. થોડાક દિવસો બાદ, શિકાર બનેલી વ્યક્તિને જણાવાયું હતું કે સોનૂ રૂ. 50,000ની મદદ કરવા તૈયાર થયા છે. ઠગ માણસે રજિસ્ટ્રેશન ફીના નામે તે વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા. ત્યારબાદ એની પાસે અન્ય ચાર્જિસ પણ લેવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે સૂદ તરફથી એને 3.60 લાખની લોન મંજૂર કરાઈ છે. વ્યક્તિએ ચાર્જિસ રૂપે કુલ રૂ. 60,000 ચૂકવ્યા હતા. આખરે વ્યક્તિને ભાન થયું હતું કે એની સાથે છેતરપિંડી કરાઈ છે અને એણે પોલીસને જાણ કરી હતી. સોનૂએ પણ આ મામલે મુંબઈમાં ફરિયાદ નોંધાવી છે. તેની એનજીઓ હેલ્થકેર, શિક્ષણ, રોજગાર અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં લોકોને માનવતાવાદી મદદ કરે છે. સોનૂએ પણ આ મામલે મુંબઈમાં ફરિયાદ નોંધાવી છે. તેની એનજીઓ હેલ્થકેર, શિક્ષણ, રોજગાર અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં લોકોને માનવતાવાદી મદદ કરે છે. એણે આ ચેરિટી કામ ગયા વર્ષે કોરોના વાઈરસને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારથી શરૂ કર્યું હતું, જેની શરૂઆત તેણે પરપ્રાંતીય મજૂરોને મુંબઈમાંથી એમના વતન મોકલવા માટે વાહન વ્યવસ્થા મારફત કરી હતી.