ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ‘ભારત બંધ’નું કર્યું આહવાન

નવી દિલ્હીઃ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) માટે એક નવા કાયદા સહિત કેટલીક માગોને ખેડૂતો ફરી એક વાર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ દિલ્હી ચલો માર્ચનું આયોજન કર્યું છે. સરકાર તરફથી બેઠકોના કેટલાય દોર પછી પણ કોઈ સહમતી નથી બની. જેથી ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ‘ભારત બંધ’નું  આહવાન કર્યું છે.

ખેડૂત આંદોલનની વચ્ચે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે મોટું એલાન કરતાં કહ્યું હતું કે ખેડૂતો વગર વાતચીત અને સમાધાને પરત નહીં જાય.સરકાર વાતચીત નથી કરતી, તો તેઓ દિલ્હીની તરફ તો જશે જ. અમારા માટે દિલ્હી દૂર નથી. સરકારની પાસે સમાધાન લાવવા માટે 16 ફેબ્રુઆરી સુધીનો સમય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ખેડૂતો વાત કરવા માટે તૈયાર છે, પણ સરકાર ખોટું બોલી રહી છે કે અમે તૈયાર નથી.

ખેડૂતોએ કહ્યું હતું કે અમારાથી વાતચીત કરવામાં આવે.કોઈ ખેડૂત પથ્થર નથી મારતા. પથ્થર મારનારા પણ સરકારના માણસો છે, એમ તેમણે કહ્યું હતું. ખેડૂત નેતા જગજિત સિંહ ડલ્લેવાલે કહ્યું હતું કે તેઓ પાકના MSPની ગેરન્ટ સહિત વિવિધ માગોને લઈને કેન્દ્રની સાથે વાતચીત માટે તૈયાર છે.

જોકે ખેડૂત સંગઠનોના ‘દિલ્હી ચલો’ માર્ચને લઈને દેશના મોટાં ખેડૂત સંગઠનોમાં મતભેદ ખૂલીને સામે આવી ગયા છે. સંયુક્ત કિસાન મોરચા પછી હવે દેશના સૌથી મોટા કિસાન સંગઠન RSSથી જોડાયેલા ભારતીય કિસાન સંઘે પણ એનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેઓ કોઈ પણ હિંસક આંદોલનનું સમર્થન નથી કરતા.