દેશભરના ખેડૂતોની આજે ફરી દિલ્હી કૂચ, પોલીસ સતર્ક

નવી દિલ્હીઃ MSP સહિત વિવિધ માગોને લઈને આંદોલનકારી ખેડૂતો દિલ્હી કૂચ કરશે. એને લઈને દિલ્હીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષાના પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રેલવે અને મેટ્રો સ્ટેશનો અને બસ ડેપો પર કડક નિગરાની કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે કહ્યું હતું કે રેલવે સ્ટેશનો અને ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. દરેક શખસની દેખરેખ કરવામાં આવી છે. પોલીસ ખેડૂતોની માર્ચને લઈને સતર્ક છે. ખેડૂત નેતા તેજવી સિંહે કહ્યું હતું કે છઠ્ઠી માર્ચે દેશના ખેડૂતો દિલ્હીના જંતર-મંતર તરફ શાંતિપૂર્વક કૂચ કરશે. એ માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારના ખેડૂતોએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. 

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેર અને જગજિત સિંહ ડલ્લેવાલે ત્રણ માર્ચે દેશભરના ખેડૂતોને દેખાવો કરવા માટે બુધવારે દિલ્હી પહોંચવાનું આહવાન કર્યું હતું. તેમણે ઊપજ માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પર કાનૂની ગેરન્ટી સહિત વિવિધ માગોના ટેકામાં 10 માર્ચે ચાર કલાક માટે દેશવ્યાપી રેલ રોકો આંદોલનનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ખેડૂતોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને માગ પૂરી થવા સુધી સંઘર્ષ જારી રહેશે.

ખેડૂતોને માર્ચને જોતાં દિલ્હીમાં પોલીસ અને અર્ધસૈનિક દળોની તહેનાત કરવામાં આવ્યાં છે. આ સાથે રેલવે અને મેટ્રો સ્ટેશનો પર નિગરાની વધારી દેવામાં આવી છે, કેમ કે ખેડૂતો ટ્રેન કે બસમાં ભરીને આવવાની સંભાવના છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે (રેલવે) કેપીએસ મલ્હોત્રાએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે સુરક્ષા વ્યવસ્થાને કડક કરવામાં આવી છે.