નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 58 સીટો પર મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. છઠ્ઠા તબક્કામાં સરેરાશ 58 ટકા મતદાન થયું હતું છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં ઓછું મતદાન થયું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યું હતું.
લોકસભાના છઠ્ઠા તબક્કામાં સવારે છ કલાક સુધી બિહારમાં 52.2 ટકા, દિલ્હીમાં 55.9 ટકા, હરિયાણામાં 51.4 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 61.4 ટકા ઝારખંડમાં 53.7 ટકા ઓડિશામાં 59.6 ટકા ઉત્તર પ્રદેશમાં 52 ટકા અને પશ્ચિમ બંગાળમાં 78 ટકા મતદાન થયું છે.
કેન્દ્રીય મંત્રી અને ઉધમપુર લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેટલાંક વર્ષો પહેલાં સુધી કોઈ એ કલ્પના પણ નહોતું કરી શકતું કે કાશ્મીરમાં આ પ્રકારે મતદાન થશે. દેશમાં સરેરાશ મતદાન 60 ટકા જેટલું મતદાન થયું છે, ત્યારે કાશ્મીરમાં પણ એટલું જ મતદાન થયું છે.લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન થયું હતું. સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કામાં 62.2 ટકા મતદાન નોંધાયું હતું. પાંચ તબક્કામાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 428 સીટો પર મતદાન થયું છે.