પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ જેટલી ચર્ચા છે, એટલી જ વધુ ચર્ચા હવે એ વાતની છે કે લોકો મત કેવી રીતે આપી શકશે, કારણ કે ચૂંટણી પંચના નવા નિર્દેશો હેઠળ લોકો સામે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. બિહારનાં અનેક ગામોમાં લોકો ચૂંટણી પંચ દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજો તૈયાર કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. રાજ્યમાં થોડા જ મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ચૂંટણી પંચે 25 જુલાઈ સુધી મતદારોની યાદીની પુષ્ટિ (વેરિફિકેશન)નું કામ પૂરું કરવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે આખા બિહારમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સૌથી વધુ મુશ્કેલી તેમને છે, જેમનું નામ 2003ની મતદારોની યાદીમાં નહોતું. બિહારમાં આવા લોકોની સંખ્યા 2.93 કરોડ છે.ચૂંટણી પંચે કહ્યું છે કે જરૂરી એવા 11 દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજ હાજર હશે તો જ મત આપવાનો અધિકાર મળશે. વિરોધ પક્ષોનો આરોપ છે કે ભાજપના ઈશારે ચૂંટણી પંચ બિહારના ગરીબ, દલિત, પછાત અને વંચિત વર્ગના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે.
આ વાતનો સાર એ છે કે બિહારના જે રીતે સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ છે, તેમાં અહીંના લોકો માટે આ 11 દસ્તાવેજોમાંથી કોઈ એક પણ મેળવવો ખૂબ મુશ્કેલ બની રહ્યો છે.
