ચેન્નઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ લોટરી-કિંગ સેન્ટિયાગો માર્ટિનની ઓફિસ અને ઘરેથી કુલ ૮.૮ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. માર્ટિન પર રૂ. 900 કરોડથી વધુનો મની લોન્ડરિંગનો આરોપ છે. મદ્રાસ હાઈ કોર્ટે લોટરી-કિંગ સામે એક્શન લેવાની મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
EDએ માર્ટિન અને તેના જમાઈ આધવ અર્જુન સાથે સંકળાયેલી વીસ જગ્યાએ દરોડા પાડ્યા હતા. એમાં તામિલનાડુ ઉપરાંત હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળની ઑફિસનો પણ સમાવેશ હતો. માર્ટિન સામે ગેરકાયદે લોટરીનું વેચાણ કરવાનો આરોપ છે. ગયા વર્ષે પણ તેની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે EDએ તેની ૪૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
સિક્કીમ રાજ્યની લોટરીના કેરળમાં કરાયેલા ઠગાઇભર્યા વેચાણના પગલે સિક્કીમ સરકારને થયેલા 900 કરોડના નુકસાન સાથે સંકળાયેલા માર્ટિન સામેના એક કેસના સંદર્ભે EDએ ગયા વર્ષે માર્ટિનની લગભગ રૂ. 457 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
લોટરી કિંગ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે અનેક રાજ્યોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. તામિલનાડુ પોલીસે માર્ટિન તથા અન્ય કેટલાક લોકો સામેની FIR પડતી મૂકવાનું નક્કી કર્યું તથા નીચલી કોર્ટે પોલીસની આ અરજીને સ્વીકારી એ પછી મદ્રાસ હાઇકોર્ટે તાજેતરમાં EDને માર્ટિન સામે પગલાં માટે લીલી ઝંડી આપતા ઉપરોક્ત સર્ચની કાર્યવાહી શક્ય બની છે.ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સિક્કીમ લોટરીના મુખ્ય વિતરક છે. ED તામિલનાડુમાં લોટરી કિંગ તરીકે જાણીતા માર્ટિનની 2019થી તપાસ કરી રહ્યું છે.