નવી દિલ્હીઃ EDએ બેન્ક છેતરપિંડી મામલે હરિયાણામાં કોંગ્રેસ વિધાનસભ્ય અને અન્યોનાં સ્થાનો પર દરોડા પાડ્યા છે. આશરે રૂ. 1392 કરોડના બેન્ક કૌભાંડથી જોડાયેલા મામલે દિલ્હી, ઝારખંડ, હરિયાણાનાં કુલ 15 સ્થળો પર સર્ચ ઓપરેશન જારી છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન હરિયાણાથી કોંગ્રેસ વિધાનસભ્ય રાવ દાન સિંહના ઘરે પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી થઈ રહી છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન કેટલાક મહત્ત્વના પુરાવા અને દસ્તવેજ મળ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ હરિયાણાના મહેન્દ્રગઢ, બહાદુરગઢ અને ગુરુગ્રામ તથા દિલ્હી અને જમશેદપુર સહિત આશરે 15 સ્થાનો પર તપાસ કરી હતી. જે લોકોની સ્થાનો પર તપાસ કરવામાં આવી હતી, એમાં મહેન્દ્રગઢ વિસ્તારના 65 વર્ષીય વિધાનસભ્ય સિંહ, તેમનો પુત્ર અક્ષત સિંહ, એલાઇડ સ્ટ્રિપ્સ લિ. (ASL) કંપની તેના તેના પ્રમોટર મોહિન્દર અગ્રવાલ, ગૌરવ અગ્રવાલ અને અન્ય લોકો સામેલ છે. ASL સ્ટીલ ઉત્પાદક કંપની છે.
આ કંપની પર રૂ. 1392 કરોડનું બેન્ક કૌભાંડ કરવાનો આરોપ છે. CBIએ પણ વર્ષ 2022માં કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે રાવ દાન સિંહના પરિવાર અને તેમની કંપનીઓએ ASL પાસેથી લોન લીધી હતી, પણ ક્યારેય પરત કરી નહોતી. ત્યાર બાદ આ લોનને NPA ખાતામાં નાખી દીધી હતી. કોંગ્રેસના ભિવાની મહેન્દ્રગઢથી રાવ દાન સિંહને આ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. અહીંથી કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરીની ટિકિટ કાપી હતી. જોકે બંને જૂથોમાં આપસી મતભેદોને કારણે કિરણ ચૌધરી ભાજપમાં સામેલ થયા હતા.