નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ રાજ્યસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના સદસ્ય અને વરિષ્ઠ નેતા સંજય સિંહના નિવાસસ્થાને આજે સવારે દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી એક્સાઈઝ નીતિ સંબંધિત મની લોન્ડરિંગને લગતા એક કેસના સંબંધમાં પાડવામાં આવ્યા છે. આ જ કેસ સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકોની સામે પણ તપાસ ચાલી રહી છે.
ઈડી અધિકારીઓએ આ કેસમાં 51 વર્ષીય સંજય સિંહ અને એમના સ્ટાફના સભ્યોની અગાઉ પણ પૂછપરછ કરી હતી. એવો આક્ષેપ છે કે શરાબના વેપારીઓને લાઈસન્સ મંજૂર કરવા માટે દિલ્હી AAP સરકારે 2021-22માં ઘડેલી એક્સાઈઝ નીતિમાં કેટલાક એવા વેપારીઓને ફાયદો કરાવવામાં આવ્યો હતો જેમણે એ માટે લાંચ આપી હતી. આ આક્ષેપને જોકે આમ આદમી પાર્ટી રદિયો આપી ચૂકી છે. એ નીતિને બાદમાં રદ પણ કરી દેવામાં આવી હતી અને દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નરે આ મુદ્દે સીબીઆઈ દ્વારા તપાસ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. એને પગલે ઈડી એજન્સીએ મની લોન્ડરિંગને લગતા કાયદા (PMLA) અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.