નંદીગ્રામમાં ફેર-મતગણતરી કરાવવાનો ચૂંટણી પંચનો ઈનકાર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ બહુમતી સાથે જીત હાંસલ કરી છે અને સત્તા સતત ત્રીજી મુદતમાં જાળવી રાખી છે, પરંતુ પાર્ટીનાં પ્રમુખ અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો નંદીગ્રામ બેઠક પર પરાજય થયો છે. ચૂંટણી પંચે ગઈ કાલે મોડી સાંજે કરેલી જાહેરાત મુજબ, બેનરજીનો ભારતીય જનતા પાર્ટીના સુવેન્દુ અધિકારી સામે 1,736 મતોથી પરાજય થયો છે. આ પરાજય સામે બેનરજી અને ટીએમસી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે અને ફેર-મતગણતરી કરવાની માગણી કરી છે, પરંતુ ચૂંટણી પંચે એ માગણીને નકારી કાઢી છે. આ વખતની ચૂંટણીમાં ટીએમસી પાર્ટીને 213 બેઠક મળી છે, જે ગઈ વેળાની ચૂંટણીની સરખામણીમાં 3 વધારે છે. જ્યારે ભાજપે 77 બેઠક જીતી છે, જે ગઈ વેળાની ચૂંટણીની તુલનાએ 45 વધારે છે.

આ પરાજય થયો તે છતાં બેનરજી મુખ્ય પ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લઈ શકે છે, પરંતુ ભારતના બંધારણની કલમ 164(4) અનુસાર, કોઈ પણ પ્રધાન જો સંબંધિત રાજ્ય વિધાનસભાના સભ્ય ન હોય તો એણે ચૂંટણી પરિણામના છ મહિનાની અંદર વિધાનસભ્ય તરીકે ચૂંટાવું પડે, નહીં તો એમનું પ્રધાનપદ રદ થઈ જાય. આમ, મમતા બેનરજી પણ ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ શકે છે, પણ એમણે છ મહિનાની અંદર રાજ્યમાં કોઈ મતવિસ્તારમાં પેટા-ચૂંટણીમાં ચૂંટાવું પડે. ઉલ્લેખનીય છે કે, 2011ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ટીએમસીએ જીત મેળવી હતી ત્યારે બેનરજી સંસદસભ્ય હતા. એમણે ત્યારબાદ અમુક મહિનાઓમાં જ ભવાનીપુર બેઠક પરથી પેટા-ચૂંટણી લડી હતી અને જીતીને વિધાનસભ્ય બન્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]