રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે પિન્ક સિટી ‘જળ’પુર બન્યું

જયપુરઃ રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પિન્ક સિટી જયપુર ફરી ડૂબી ગયું છે. શહેરમાં ચોતરફ પાણી જ પાણી છે. રસ્તાઓ દરિયો બની ચૂક્યા છે. વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે. શહેરમાં જળભરાવાને કારણે મોટા ભાગની દુકાનો બંધ છે. શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક-જેમ લાગ્યા છે. પાણીમાં ડૂબેલી ગાડીઓ બંધ પડી છે. જયપુરમાં સતત વરસાદને કારણે જળપુર બની ગયું છે. શહેરમાં પૂર જેવી સ્થિતિ છે. ઠેકઠેકાણે ઘટના-દુર્ઘનાના સમાચાર આવી રહ્યો છે. સ્થિતિને જોતાં SDRFએ હેલ્પ નંબર જારી કર્યા છે.

જયપુરમાં ગઈ કાલે બપોર પછી પડી રહેલા વરસાને પગલે શહેરના નાના રસ્તાઓ જ નહી, પણ મુખ્ય રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે. ચારે બાજુ ભરાયેલા વરસાદી પાણીને કારણે મોટા ભાગનાં બજારો બંધ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે પહેલી ઓગસ્ટથી રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર શરૂ થશે, જે 10 ઓગસ્ટ સુધી જારી રહેશે. છેલ્લા 24 કલાકમાં જયપુરમાં 158 એમએમ (છ ઇંચથી વધુ) વરસાદ નોંધાયો છે અને હજી પણ વરસાદ જારી છે. જયપુરના ડિરેક્ટર આર. એસ શર્માએ જણાવ્યું હતું કે જયપુરમાં સતત વરસાદ જારી છે અને અત્યાર સુધીમાં છથી સાત ઇંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે.

હવામાન વિભાગ અનુસાર જોધપુર, ઉદેપુર, જયપુર અને અજમેરમાં ગઈ કાલ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે.