કેન્દ્ર સરકારે 18 ફાર્મા કંપનીઓના લાઈસન્સ રદ કર્યા

નવી દિલ્હીઃ નકલી દવાઓ બનાવવા બદલ દેશની 18 ફાર્માસ્યુટિકલ કંપનીઓના લાઈસન્સ કેન્દ્ર સરકાર સંચાલિત નિયામક એજન્સી ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીએ) દ્વારા રદ કરવામાં આવ્યા છે. 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંની 76 ફાર્મા કંપનીઓની ચકાસણી કર્યા બાદ ડીજીસીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જે 18 ફાર્મા કંપનીના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગની હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોની છે. બે મધ્ય પ્રદેશની છે જ્યારે એક મહારાષ્ટ્ર અને એક હરિયાણાની છે. ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં અનેક બાળકોનાં નિપજેલા મરણ સાથે બે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની – મેઈડન અને મેરિઅન ફાર્માસ્યુટિકલ્સનું નામ જોડાયા બાદ ભારત સરકારે ઉક્ત પગલું ભર્યું છે, કારણ કે તે બાળકોએ આ બે કંપનીઓએ બનાવેલું કફ સીરપ પીધું હતું.