SP, BSPએ એન્કાઉન્ટરને ફેક ગણાવતાં ઉચ્ચ તપાસની માગ કરી   

લખનઉઃ ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામનું ઝાંસીમાં એન્કાઉન્ટરમાં મોત થયા પછી રાજ્યના મુખ્ય વિરોધ પક્ષો સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP)એ સવાલો ઊભા કર્યા હતા. બંને પાર્ટીઓએ એન્કાઉન્ટરની નિંદા કરી હતી અને ઉત્તર પ્રદેશમાં હાલમાં થયેલા બધાં એન્કાઉન્ટરોની તપાસની માગ કરવામાં આવી છે, જ્યારે UP સરકારે કહ્યું હતું કે કાનૂનથી ઉપર કોઈ નથી.

SPના પ્રમુખ અખિલેશ યાદવે સત્તારૂઢ ભાજપ પર ખેપ એન્કાઉન્ટર કરવા માટે અને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન બીજે દોરવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યા હતા. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપને દેશની કોર્ટો પર વિશ્વાસ નથી. ગુરુવારના હાલના એન્કાઉન્ટરની ઊંડી તપાસ થવી જોઈએ અને દોષીઓને સજા થવી જોઈએ. સરકારને એ નક્કી કરવાનો અધિકાર નથી કે શું સાચું અને શું ખોટું છે. તેમણે ભાજપ પર સદભાવ અને ભાઈચારાની વિરુદ્ધ હોવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે વિધાનસભામાં મુખ્ય પ્રધાનની ટિપ્પણી- મિટ્ટીમાં મિલા દેંગે પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે મધ્ય પ્રદેશના ખરગોનમાં દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC)એ UP સરકારને સૌથી વધુ નોટિસ આપી છે. દેશમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોત ઉત્તર પ્રદેશમાં થાય છે.

બીજી બાજુ, માયાવતીએ પણ હાલમાં થયેલા એન્કાઉન્ટરોની ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી હતી. તેમણે વિકાસ દુબેના એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અતીક અહેમદના પુત્ર અને એક અન્યની પોલીસ અથડામણમાં હત્યા પછી અનેક પ્રકારે ચર્ચા થઈ રહી છે. લોકોને લાગી રહ્યું છે કે વિકાસ દુબે કાંડ ફરીથી થવાની તેમની આશંકા સાચી થઈ છે. એટલા માટે તપાસ જરૂરી છે, જેથી આ ઘટનાની સાચી વિગતો અને સચ્ચાઈ જનતાની સામે આવી શકે.