G20 દેશોએ ભારતીય પ્રસ્તાવોને મજબૂત ટેકો આપ્યોઃ નિર્મલા સીતારામન

વોશિંગ્ટનઃ G20 ગ્રુપના સભ્ય દેશોએ ભારતના અનેક પ્રસ્તાવોને ટેકો આપ્યો છે અને આ પ્રસ્તાવોને લઈને સક્રિય વાટાઘાટ થઈ રહી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને G20 દેશો પોતાની સમક્ષની સાથે સિલસિલાબંધ મુલાકાત બાદ કહ્યું હતું. ભારતને ગયા વર્ષે ડિસેમ્બરમાં G20ની અધ્યક્ષતા મળી હતી અને સપ્ટેમ્બરના પ્રારંભમાં એણે નવી દિલ્હીમાં નેતાઓના શિખર સંમેલનની યજમાની કરવાની યોજના છે. G20 વિશ્વનાં 20 મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રોનો એક મહત્ત્વનો મંચ છે.

સીતારામને ગઈ કાલે વોશિંગ્ટનમાં IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકોથી અન્ય G20 દેશોના સમકક્ષોની સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમને એ જાણીને બહુ ખુશી થઈ હતી કે ભારતના મોટા ભાગના પ્રસ્તાવોને સારું સમર્થન મળ્યું છે અને એને લઈને સક્રિય વાટાઘાટ થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે G20ના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની બીજી બેઠકમાં ચર્ચા ત્રણ સેશનમાં થઈ હતી. એમાં સભ્ય દેશો દ્વારા મહત્ત્વનાં સૂચનો પ્રાપ્ત થયા છે.

આ બેઠકોમાં 13 આમંત્રિત દેશો, કેટલાંય વૈશ્વિક અને પ્રાદેશિક સંગઠનોના આશરે 350 પ્રતિનિધિઓ સામેલ થયા છે. તેમણે કહ્યું હતું કે G20 બેઠકોમાંથી છ નિષ્કર્ષ નીકળ્યા છે, એમાં ગ્લોબલ સોવેરિન ડેટ રાઉન્ડટેબલની યજમાની સાથે દેવાનું પુનર્ગઠન અને દેવાંની નિષ્ફળતાઓ પર સફળ ચર્ચા પણ સામેલ છે. બહુપક્ષી વિકાસ બેન્કોમાં સુધારાનો મુદ્દો મહત્ત્વનો છે, જે એક ભારતીય પહેલ છે. એને બહુ સારી પ્રતિક્રિયા મળી છે. આ સિવાય જળવાયુ સંબંધી મામલામાં સતત નાણાકીય પોષણ અને નાણાકીય સમાવેશી માટે વૈશ્વિક ભાગીદારી પણ છ નિષ્કર્ષોમાં સામેલ છે, જેમાં ડિજિટલ માળખાને બહુ વધુ ટેકો મળ્યો છે, એમ તેમણે કહ્યું હતું.