મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યોના રાજ્યપાલ બદલાયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ  દ્રૌપદી મૂર્મુએ 13 રાજ્યોના રાજ્યપાલ બદલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપીને નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. એમણે મહારાષ્ટ્ર અને લદાખના રાજ્યપાલોની પદ-નિવૃત્તિની વિનંતીને મંજૂર રાખી છે.

આમ, મહારાષ્ટ્રને ભગતસિંહ કોશ્યારીની જગ્યાએ નવા રાજ્યપાલ તરીકે રમેશ બૈસ મળ્યા છે. જ્યારે લદાખના રાધાકૃષ્ણ માથુરની જગ્યાએ બ્રિગેડિયર (નિવૃત્ત) બી.ડી. મિશ્રા નવા ઉપ-રાજ્યપાલ તરીકે નિમાયા છે.

કોણ છે રમેશ બૈસ?

75 વર્ષના રમેશ બૈસ આ પહેલાં ઝારખંડ અને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે સેવા બજાવી ચૂક્યા છે. તેઓ હવે મહારાષ્ટ્રમાં પદ સંભાળશે. એમની રાજકીય કારકિર્દીનો ગ્રાફ બહુ ઊંચો રહ્યો છે. બૈસ મહારાષ્ટ્રના 23મા રાજ્યપાલ બન્યા છે. એમનો જન્મ 1947ની બીજી ઓગસ્ટે રાયપુરમાં થયો હતો જે હાલ છત્તીસગઢનું પાટનગર છે. 1978થી એમની રાજકીય કારકિર્દીનો આરંભ થયો હતો. જ્યારે તેઓ નગરપાલિકાની ચૂંટણી જીત્યા હતા. 1980થી 1984 સુધી તો મધ્ય પ્રદેશના વિધાનસભ્ય બન્યા હતા. રાયપુરમાંથી તેઓ સાત વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે. એમણે અટલબિહારી વાજપેયીની સરકારમાં પર્યાવરણ, વન્યરક્ષણ રાજ્યપ્રધાનપદ પણ સંભાળ્યું હતું.

મોદી સરકારે બદલેલા આ 13 નવા રાજ્યપાલના નામઃ

રમેશ બૈસ (મહારાષ્ટ્ર)

લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) કૈવલ્ય ત્રિવિક્રમ (અરૂણાચલ પ્રદેશ)

લક્ષ્મણ પ્રસાદ આચાર્ય (સિક્કીમ)

સી.પી. રાધાકૃષ્ણન (ઝારખંડ)

શિવપ્રતાપ શુક્લા (હિમાચલ પ્રદેશ)

ગુલાબચંદ કટારિયા (અસમ)

નિવૃત્ત ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીર (આંધ્ર પ્રદેશ)

બિશ્વા ભૂષણ હરિચંદન (છત્તીસગઢ)

અનુસૂઈયા ઉઈકે (મણિપૂર)

એલ. ગણેશન (નાગાલેન્ડ)

ફાગૂ ચૌહાણ (મેઘાલય)

રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર (બિહાર)

બ્રિગેડિયર (નિવૃત્ત) બી.ડી. મિશ્રા (ઉપ-રાજ્યપાલ લદાખ)