શ્રેણીમાં કમબેક કરવા ઓસ્ટ્રેલિયા સમર્થઃ રોહિત શર્મા

નાગપુરઃ ચાર ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસકર ટ્રોફી શ્રેણીની પહેલી મેચમાં અહીંના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર ત્રણ દિવસમાં જ એક દાવ અને 132 રનના ધરખમ તફાવતથી પરાજય આપ્યો અને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે.

(તસવીર સૌજન્યઃ @ICC)

આટલો મોટો સજ્જડ વિજય હાંસલ કર્યા બાદ પણ ભારતનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયન ટીમને હળવાશથી લેવા માગતો નથી. એણે કહ્યું છે કે’ પ્રવાસી ટીમ બીજી ટેસ્ટ મેચમાં વળતો જોરદાર સારો દેખાવ કરે એવી શક્યતાને હું નકારતો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશાં ઉત્તમ રહી છે. આ સીરિઝમાં રમતા ઘણા બધા ખેલાડીઓ અમારી સાથે અગાઉ રમેલી ઓસ્ટ્રેલિયન ટીમમાં નહોતા. પરંતુ ઓસ્ટ્રેલિયનોને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ખૂબ ગમે છે. તેથી અમે એ બાબતમાં વાકેફ અને પૂરતા સતર્ક છીએ કે તેઓ ચોક્કસપણે કમબેક કરી શકે છે.’

પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલા દાવમાં, તેની ટીમ માત્ર 63.5 ઓવર જ રમી શકી હતી અને 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે પહેલા દાવમાં 139.3 ઓવર સુધી રમીને 400 રન કર્યા હતા. 223 રનની ખાધ ભોગવનાર પ્રવાસી ટીમ બીજા દાવમાં માત્ર 32.3 ઓવર રમી શકી હતી અને 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી તો બીજા દાવમાં ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પાંચ બેટ્સમેનને આઉટ કર્યા હતા. જાડેજા બેટિંગમાં પણ ચમક્યો હતો અને 7મા ક્રમે આવી 185 બોલનો સામનો કરી 70 રન બનાવ્યા હતા. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

(તસવીર સૌજન્યઃ @ICC)

બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં, ત્રીજી મેચ 1 માર્ચથી ધરમશાલામાં અને ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાશે – મુંબઈ (17 માર્ચ), વિશાખાપટનમ (19 માર્ચ) અને ચેન્નાઈ (22 માર્ચ).

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]