શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ 30 સપ્ટેંબર સુધી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ભારતના નાગરી ઉડ્ડયન ઉદ્યોગની રેગ્યૂલેટર એજન્સી DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)એ શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સને સસ્પેન્ડ રાખવાના નિર્ણયને 30 સપ્ટેંબર સુધી લંબાવ્યો છે.

તે છતાં સક્ષમ પ્રશાસન કેસ-આધારિત જે પસંદગીના રૂટ્સ પર મંજૂરી આપે તેવી ઈન્ટરનેશનલ શેડ્યૂલ્ડ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની પરવાનગી આપવામાં આવશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાને કારણે ભારત સરકારે ગઈ 23 માર્ચથી દેશમાં શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર સેવાઓને સ્થગિત કરી દીધી છે.

દરમિયાન, ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ગયા મે મહિનાથી શરૂ કરાયેલી સ્પેશિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ તેમજ અન્ય દેશો સાથે ગયા જુલાઈમાં કરાયેલી દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થાનુસારની ફ્લાઈટ્સને ઓપરેટ કરવા દેવામાં આવશે.

સર્ક્યૂલરમાં એમ પણ જણાવાયું છે કે ડીજીસીએ દ્વારા ચોક્કસ રીતે મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સેવાઓ તથા ફ્લાઈટ્સ યથાવત્ રહેશે, એને કોઈ નિયંત્રણ લાગુ નહીં પડે.