અમદાવાદઃ રાજ્યમાં પડી રહેલો અવિરત વરસાદ હવે મુશ્કેલી સર્જી રહ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં આ સીઝનનો અત્યાર સુધીનો 150 ટકા વરસાદ પડ્યો છે તો કચ્છમાં તો 250 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ 113 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદની આગાહી યથાવત છે.
હજી પણ ભારે વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ 10થી 15 ટકા વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યના 138 તાલુકાઓમાં 1થી 4 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના 15 તાલુકાઓમાં છ ઇંચથી 12 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેથી કેટલીય જગ્યાએ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. 24 તાલુકાઓમાં 5થી 12 ઇંચ વરસાદ તો 138 તાલુકાઓ 1થી 4 ઇંચ સુધીનો વરસાદ નોઁધાયો છે.
તાપી નદીમાં 1.59 લાખ કયુસેક પાણી છોડાયું
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઓવરફલો (overflow) થયો છે, જેથી તાપી નદીમાં જળ સ્તર વધતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં 1.59 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતના રાંદેર અને કતારગામ જોડતા વિયર કોઝવેની સપાટી પણ સતત વધી રહી છે.
મીઠી ખાડી પણ ઓવરફ્લો થઈ
મીઠી ખાડી હાલ 7.50ની ભયજનક સપાટી વટાવી 8.25 મીટરે ઓવરફ્લો થઈ રહી છે. જેને પગલે લિંબાયતના નીચાણવાળા વિસ્તારના રોડ પર પાણી ફરી વળ્યા છે. જ્યારે ઘરોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.
ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને ભારે વરસાદ વરસ્યોછે ત્યારે ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું હોય હતું. ગીર ગઢડાના કણેરીમાં એક કલાકમાં પાંચ ઇંચ, જામવાળામાં ચાર કલાકમાં આઠ ઇંચ અને એભલવડમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. આ તમામ ગામો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરનો માલસામાન પલળી ગયો હતો.
માધવરાય મંદિર ફરી પાણી ગરકાવ
રાજ્યમાં સતત ભારે વરસાદથી ગામનાં ખેતરોને તો નુકસાન થયું છે, પણ પ્રાચીનું માધવરાય મંદિર ફરી પાણી ગરકાવ થયું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી.
સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું
સુત્રાપાડામાં આઠ ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયું છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે. મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું છે.
હિરણ બે- ડેમના સાત દરવાજા આઠ ફૂટ સુધી
તાલાલા અને ગીરમાં ભારે વરસાદથી હિરણ બે-ડેમના સાત દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી તાલાલા અને વેરાવળનાં 15 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યાં છે.
જામજોધપુરમાં સાડાનવ ઇંચ
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં સાડાનવ ઇંચ વરસાદ ખાબક્યો છે તો ખંભાળિયામાં સાડાઆઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર, ગઢડા, મોરબીમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. તો ભાણવડ અને દાંતામાં સાડાસાત ઇંચ વરસાદ નોંધાયો છે. વિસાવદર, કલ્યાણપુર, લાલપુરમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. બોટાદ, તાલાલા, કોટડા, સાંગણી, માંગરોળમાં છ-છ ઈંચ વરસાદ ખાબક્યો છે.
સુખભાદર ડેમ ઓવરફલો
બોટાદના મોટા ભડલા ગામ પાસે આવેલ સુખભાદર ડેમ ઓવરફલો થયો છે. જેને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ એક કિ.મીના અંતરે પાણી વહેતું હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધકરવામાં આવ્યો છે.
ભાલનાં અનેક ગામો સંપર્કવિહોણાં
ભાવનગર જિલ્લાના ભાલ પંથકનાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યાં છે. રંઘોળી, ઘેલો અને કાળુભાર નદીના પાણી ચોમેર ફરી વળ્યાં છે. ભાણગઢ, પાળિયાદ, દેવળિયા સહિતનાં ગામો સંપર્કવિહોણા બન્યાં છે. નદીઓનાં પાણી ગામોમાં ફરી વળતા તમામ રસ્તા બંધ થયા છે. નદીનાં પાણી ગામોમાં અને ઘરોમાં ઘુસી ગયા છે.
ડેમમાંથી 9.54 લાખ ક્યુસેક પાણી છોડાયું
સરદાર સરોવર નર્મદા ડેમમાથી નર્મદા નદીમાં છોડાયેલા પાણીથી નર્મદેશ્વર મહાદેવ તણાઈ ગયું છે. વળી, મધ્ય પ્રદેશમાં પડેલા ભારે વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીથી સરદાર સરોવર નર્મદા ડેમમાં 11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવકને ધ્યાને લઈને નર્મદા નદીમાં સરદાર સરોવર બંધમાંથી 9.54 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદ
અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો છે. હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.