સુપ્રીમ કોર્ટના અલ્ટિમેટમ છતાં ડોક્ટરોનું વિરોધ-પ્રદર્શન જારી

નવી દિલ્હીઃ કોલકાતામાં ટ્રેની ડોક્ટરની સાથે થયેલા બળાત્કાર અને હત્યાના મામલા પર આક્રોશ હજી શાંત નથી પડ્યો. સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને હડતાળ ખતમ કરીને કામ પર પરત ફરવા આદેશ આપ્યો હતો, પરંતુ પ્રદર્શન કરતા ડોક્ટરોનું કહેવું છે કે અમારી માગ પૂરી નથી થઈ અને પીડિતને ન્યાય નથી મળ્યો. કોર્ટના આદેશ છતાં જુનિયર ડોક્ટરોએ પ્રદર્શન પાંચ કલાક પછી પણ જારી રાખ્યું છે.

આરજી કર હોસ્પિટલના ડોક્ટરોએ પાંચ માગ મૂકી છે. ડોક્ટરોની આ માગમાં બંગાળના આરોગ્ય સચિવ અને કોલકાતા વડાનું રાજીનામું પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટ આ કેસ પર આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે કરશે.

સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરતાં જુનિયર ડોકટરોએ કહ્યું છે કે લેડી ડોક્ટર હજુ સુધી ન્યાય મળ્યો ન હોવાથી અમે કામ નહિ કરીએ. વિરોધ કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે અમારી માગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી. ‘

જુનિયર ડોકટરો લગભગ એક મહિનાથી કામ કરી રહ્યા નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે વિરોધ કરી રહેલા ડોક્ટરોને ફરજની કિંમત પર વિરોધ કરી શકાય નહીં એવું કહીને સાંજે પાંચ વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ડોક્ટરોને ખાતરી આપી હતી કે જો તેઓ સાંજ સુધીમાં કામ પર આવશે તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ડોક્ટર્સના જણાવ્યા મુજબ 7000 ડોક્ટર પ્રદર્શનમાં સામેલ છે.

નવ ઓગસ્ટે મેડિકલ કોલેજના ચોથા માળે સેમિનાર હોલમાં ડોક્ટરની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહ પાસે તેનો મોબાઇલ અને લેપટોપ પણ પડેલું હતું. પીએમ રિપોર્ટમાં મહિલા તબીબ પર બળાત્કાર થયાની પુષ્ટિ થઈ હતી. આ પછી પોલીસે કેસ નોંધ્યો હતો. SITએ સંજય રોયની ધરપકડ કરી હતી.