દિલ્હી સર્વિસ બિલને મંજૂરીઃ સરકાર ‘સુપ્રીમ’માં પડકારે એવી વકી

નવી દિલ્હીઃ દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. હવે એ દિલ્હીમાં કાયદો બની ગયો છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) અધિનિયમ, 2023ને લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે. જોકે આ કાયદાને દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારે એવી શક્યતા છે.

આ બિલમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે દિલ્હીના અધિકારીઓના સસ્પેન્શન અને તપાસ જેવી કાર્યવાહી કેન્દ્રના નિયંત્રણમાં હશે. મણિપુર હિંસા પર લોકસભા અને રાજ્યસભા- બંનેમાં હંગામાની વચ્ચે એક ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે પહેલી ઓગસ્ટે સંસદમાં દિલ્હી સરકાર (સંશોધન) બિલ, 2023 રજૂ કર્યું હતું. એ કાયદો રાષ્ટ્રીય રાજધાનીમાં સર્વિસિસના નિયંત્રણ પર વટહુકમની જગ્યા લેશે.

સરકારે જાહેરનામામાં કહ્યું હતું કે આ વટહુકમને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) અધિનિયમ, 2023 કહેવામાં આવશે. એને 19 મે, 2023થી લાગુ માનવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર અધિનિયમ, 1991ની કલમ બે ખંડ (E)માં કેટલીક જોગવાઈ સામેલ છે. ઉપરાજ્યપાલનો અર્થ દિલ્હીના બંધારણના અનુચ્છેદ 239 હેઠળ નિયુક્ત વહીવટકાર અને રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાજ્યપાલના રૂપે નામિત વ્યક્તિ દ્વારા કરવામાં આવશે.

 સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન નથીઃ શાહ

ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે તેઓ પુરાવા આપશે કે આ બિલ કોઈ પણ બાજુથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન નથી કરતું. એ બિલ દિલ્હી પર હાલની કેન્દ્ર સરકારના વટહુકમને બદલવાના પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને લોકતંત્ર પર બોલવાનો હક નથી. AAPના ખોળામાં બેઠેલી કોંગ્રેસ આ બિલ પહેલાં લઈને આવી હતી.