નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે જેલમાં કેદ આપ સાંસદ સંજય સિંહને નવા વર્ષની પહેલાં જ મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે દિલ્હીની કોર્ટે આપ સાંસદની જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી દિલ્હી લિકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી ફગાવવામાં આવી હતી.
કોર્ટે દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવી હતી. અગાઉ 11 ડિસેમ્બરે કોર્ટે સિંહની ન્યાયિક કસ્ટડી 10 દિવસ માટે વધારી હતી. કેટલાક કલાકોના દરોડા અને પૂછપરછ બાદ EDએ 4 ઓક્ટોબરે AAP નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી.
EDનો આરોપ છે કે દિલ્હીની દારૂની નીતિમાં ઘણી ગેરરીતિઓ હતી. લિકર પોલિસી દ્વારા પૈસા લઈને દારૂના વેપારીઓને કથિત રીતે ફાયદો થતો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ ચોથી ઓક્ટોબરે આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહના ઘરે પહોંચી હતી. EDની ટીમ દ્વારા તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ આ વર્ષના મે મહિનામાં પણ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. તે સમયે તેના સહયોગીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું હતું કે જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ-ED, CBI, આવકવેરા વિભાગ અને પોલીસ જેવી તમામ એજન્સીઓ સક્રિય થશે.