કોરોનાનો હાહાકાર ! દેશભરમાં JN.1 ના 22 કેસ નોંધાયા

ગુજરાત સહિત દેશભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર અને લોકોની ચિંતામાં વધારો થયો છે. 21 ડિસેમ્બર સુધી કોરોના JN.1 ના નવા વેરિએન્ટના અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 265 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. JN.1 વેરિઅન્ટનો પહેલો કેસ કેરળમાંથી જ નોંધાયો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 2,997 પર પહોંચી ગયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોનાના 594 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે અત્યારે ડરવાની કોઈ જરૂર નથી. જો કે, યોગ્ય સાવચેતીના પગલાં લેવા જોઈએ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમારી પાસે હાલમાં કોઈ ડેટા નથી કે JN.1 વેરિએન્ટ વધુ ગંભીર છે અથવા વધુ મૃત્યુનું કારણ બનશે.

coronavirus.

આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી

રાજ્યના આરોગ્ય અને તબીબી વિભાગે ગુરુવારે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે જો હળવી શરદી, ઉધરસ, તાવ, શરદી અને ગળામાં ખરાશથી પીડાતા દર્દીઓ સમયસર તબીબી સલાહ લે તો આ રોગને અસરકારક રીતે અને તરત જ નિયંત્રિત કરી શકાય છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો ચેપના લક્ષણો દેખાય છે, તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની સલાહ મુજબ COVID-19 માટે સમયસર ટેસ્ટિંગ અને સારવાર કરાવવી જોઈએ.

ભીડમાં માસ્ક પહેરવાની સલાહ

આરોગ્ય વિભાગ અને WHOનું કહેવું છે કે અત્યારે ગભરાવાની જરૂર નથી. માત્ર સાવચેત રહો. WHOએ બુધવારે કોરોનાને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યું છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ભીડવાળી અથવા બંધ જગ્યાઓ અને પ્રદૂષિત હવાવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવું આવશ્યક છે. સામાજિક અંતરને પણ આદત બનાવો. કોરોના JN.1 ના નવા વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવામાં કેસ વધ્યા

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવામાં નવા સબ-વેરિયન્ટ કોવિડ કેસ નોંધાયા છે.બીજી તરફ ગોવાના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે કોરોના સેમ્પલમાં સબ-વેરિયન્ટ JN.1 મળી આવ્યો છે. પરંતુ આ જૂના કેસ છે અને હવે એક્ટિવ નથી. આ પ્રકારનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા વિનંતી કરી હતી.