વાવાઝોડું ફેની: કેરળ, તમિલનાડુમાં એલર્ટ જાહેર, બેંગ્લુરુમાં વરસાદની આગાહી

નવી દિલ્હી: ગત સપ્તાહના અંતિમ દિવસે દક્ષિણ પૂર્વની બંગાળની ખાડી પર દબાણ સર્જાતા આ દબાણ વાવાઝોડાંમાં પરિવર્તીત થઈ ગયું હતું. વાવાઝોડાંને ફેની નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ફેની આગળ જઈને ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. વાવાઝોડું ફેની 30 એપ્રિલ સાંજ સુધી ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટ સુધી પહોંચે તેવી શક્યતા છે. ચક્રવાતી ફેની અત્યારે પૂર્વી ભૂમધ્ય વિસ્તારના હિંદ મહાસાગર અને તેની આસપાસના દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી સુધી પહોંચ્યું છે. હાલ હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરીને એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગના એડિશનલ ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું, અમારી ગણતરી પ્રમાણે, આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટ વિસ્તાર સુધી પહોંચી જશે. જોકે વાવાઝોડું તટ પર અથડાય તે પહેલાં જ ફંટાઈ જાય તેવી પણ એક શક્યતા છે.

ચેન્નાઈમાં ક્ષેત્રીય ચક્રવાત ચેતવણી કેન્દ્રના ડિરેક્ટર એસ બાલચંદ્રને કહ્યું કે, ‘ફેની’ આગામી 24 કલાકમાં ગંભીર વાવાઝોડાંમાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશના સૂચન પ્રમાણે આ વાવાઝોડાંનું નામ ‘ફેની’ રાખવામાં આવ્યું છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમી દિશામાં આગળ વધશે અને 30 એપ્રિલે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટ પાસે પહોંચશે. તેમણે કહ્યું છે કે, હાલ વાવાઝોડું તમિલનાડુ તટને ક્રોસ કરે તેવી શક્યતા ખૂબ ઓછી છે. અમે સતત તેના પર નજર રાખી રહ્યા છીએ.

 

હવામાન વિભાગે માછીમારોને 3 મે સુધી શ્રીલંકા, પુડ્ડુચેરી, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. ચેન્નાઈના હવામાન કેન્દ્રના નિર્દેશક એસ બાલાચંદ્રને જણાવ્યું કે, તમિલનાડુ અને પુડ્ડુચેરીના તટીય વિસ્તારોમાં ભારે પવન અને હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે કેરળમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે તમિલનાડુના તટીય વિસ્તારમાં 30 એપ્રિલ અને 1 મેના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]