8-EU દેશો, સ્વિટ્ઝરલેન્ડે કોવિશીલ્ડ રસીને માન્યતા આપી

બ્રસેલ્સ/નવી દિલ્હીઃ ભારત સરકારે વિનંતી બાદ કડક વલણ અખત્યાર કર્યા બાદ યૂરોપીયન યૂનિયન (EU )ના 8 દેશો અને સ્વિટ્ઝરલેન્ડે સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડને માન્યતા આપી છે. ઓસ્ટ્રીયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઈસલેન્ડ, આયરલેન્ડ અને સ્પેન – આ સાત યૂરોપીય સંઘના સભ્ય દેશોએ કોવિશીલ્ડ રસીને માન્યતા આપી છે. તો એસ્ટોનિયા દેશે કોવિશીલ્ડ તેમજ કોવેક્સીન, બંને રસીને માન્યતા આપી છે. આવી જ માન્યતા સ્વિટ્ઝરલેન્ડે પણ આપી છે. આ EU દેશોએ એમના ‘ગ્રીન પાસ’માં કોવિશીલ્ડ રસીનો પણ ઉમેરો કરી દીધો છે. આમ કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનાર ભારતીય પ્રવાસીઓ ભારતીય પાસપોર્ટ પર આ દેશોમાં પ્રવેશ કરી શકશે.

અગાઉ એવો અહેવાલ હતો કે ભારત સરકાર યૂરોપીયન દેશોના સમૂહ સાથે ‘જેવા-સાથે-તેવા’નું વલણ અપનાવવા વિચારી રહી છે, કારણ કે EU ભારતમાં બનાવવામાં આવેલી કોવિશીલ્ડ અને કોવેક્સીન રસીઓના સર્ટિફિકેટ સ્વીકારવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે EU દેશો માત્ર યૂરોપીયન મેડિસીન્સ એજન્સી (EMA) દ્વારા મંજૂરીપ્રાપ્ત કોરોના-રસીઓના સર્ટિફિકેટ જ સ્વીકારે છે, જેમ કે ફાઈઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને જેનસેન. કોવિશીલ્ડરસી એસ્ટ્રાઝેનેકાની ભારતીય આવૃત્તિ છે, જેનું ઉત્પાદન પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપની એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં કરી રહી છે.

એવા અહેવાલો છે કે, જો યૂરોપીયન યૂનિયન ઉક્ત બંને ભારતીય રસીઓના સર્ટિફિકેટ નહીં સ્વીકારે તો ભારત પણ એમને ત્યાં બનાવેલી રસીઓના સર્ટિફિકેટ સ્વીકારશે નહીં તેમજ યૂરોપીયન દેશોમાંથી આવનાર લોકોને ભારતમાં આગમન સાથે તરત જ 14-દિવસ સુધી ફરજિયાત ક્વોરન્ટીન વ્યવસ્થામાં રહેવાની ફરજ પાડશે. ભારત સરકારે EUને ચોખ્ખું જણાવી દીધું છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીન રસીઓને EUએ તેના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ કેટેગરીમાં નોટિફાય કરી જ દેવી પડશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશીલ્ડ રસીને EUની મંજૂરી માટે અરજી નોંધાવી દીધી છે.