‘કોરોનાની ત્રીજી-લહેર બીજી કરતાં ઓછી તીવ્ર હશે’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસની સંભવિત ત્રીજી લહેર અંગે દેશમાં ચિંતા પ્રસરેલી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાના રોગચાળા અને ચેપી બીમારીઓના વિભાગના વડા ડો. સમીરન પાન્ડાએ કહ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે, પરંતુ એ બીજી લહેર કરતાં ઓછી તીવ્ર રહેવાની ધારણા છે.

એનડીટીવીને આપેલી એક મુલાકાતમાં ડો. પાન્ડાએ કહ્યું કે ત્રીજી લહેર આખા દેશમાં ફરી વળશે, પણ બીજી લહેર કરતાં એની તીવ્રતા ઓછી હશે એવી ધારણા છે. ત્રીજી લહેર આવશે એવું માનવાને અનેક કારણો છે. જો બીમારીની પહેલી અને બીજી લહેર વખતે મેળવેલી રોગપ્રતિકારક શક્તિ ઘટી જશે તો એને કારણે ત્રીજી લહેર આવશે. બે લહેર વખતે મેળવેલી રોગપ્રતિકારક શક્તિને કોરોનાનો કોઈક નવો વેરિઅન્ટ બાયપાસ કરે એવું પણ બની શકે. ત્રીજી લહેર આવવાનું તે પણ એક કારણ બની શકે. નવો વેરિઅન્ટ ગીચ વસ્તીમાં ઝડપથી ફેલાય એવી સંભાવનાને કારણે ત્રીજી લહેર આવવાનું જોખમ જણાય છે.