નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું છે કે ભારત દેશ વધારે સારા કોવિડ-19 વ્યવસ્થાપન તથા વ્યાપક પાયે રસીકરણ ઝુંબેશને કારણે કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની લહેરમાંથી સફળતાપૂર્વક પાર ઉતરી શક્યું છે. અન્ય દેશોમાં આ વેરિઅન્ટને કારણે ઘણા મરણ નિપજ્યાં હતા જ્યારે ભારત તેમાંથી પાર ઉતરી શક્યું છે.
લોકસભામાં પ્રશ્નોત્તરી કલાક દરમિયાન એક પૂરક સવાલના જવાબમાં માંડવીયાએ કહ્યું હતું કે ICMR સંસ્થા નિયમિત રીતે નાગરિકોને માર્ગદર્શન આપતી રહી છે અને રસી-સંબંધિત સંશોધનકાર્યોમાં મદદરૂપ થતી રહી છે જેને લીધે ભારત પોતાની જ સ્વદેશી રસીનું નિર્માણ કરી શક્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતે શ્રેષ્ઠતમ કોવિડ-19 વ્યવસ્થાપન તથા સૌથી વિશાળ પાયાની રસીકરણ ઝુંબેશને અમલમાં મૂક્યા હતા.
