કોરોનાને ગામડાઓમાં ફેલાતો રોકવો જરૂરીઃ મોદી (મુખ્યપ્રધાનોને)

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સતત વધતા કેસોએ કેન્દ્ર સરકારનું ટેન્શન વધારી દીધું છે. જેથી આગળની વ્યૂહરચના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક બોલાવી હતી. મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેઓ મુખ્ય પ્રધાનો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96 ટકા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં કોરોનાથી મૃત્યુદર અન્ય દેશો કરતાં ઘણો ઓછો છે. તેમણે કહ્યું હતું કે કેટલાંક રાજ્યોમાં પણ કોરોનાના કેસોમાં અચાનક વધી ગયા છે, જે ચિંતાનો વિષય છે.

આપણે આપણી સફળતાને લાપરવાહીમાં નથી બદલવાની. વધતા રોગચાળાને રોકવો જરૂરી છે. માસ્કને લઈને ગંભીરતા ખૂબ જરૂરી છે. રાજ્યોએ માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનની સમીક્ષા કરવી પડશે. આપણે ટ્રેસ, ટ્રેક અને ટ્રિક પર ગંભીરતાથી કામ કરવું ખૂબ જરૂરી છે. આપણે ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવાની જરૂર છે. આપણે RT-PCR ટેસ્ટ વધારવાની જરૂર છે. નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું ખૂબ જરૂરી છે. નાના શહેરો અને ગામમાં જો કોરોના પ્રસરશે તો વધુ મુશ્કેલીઓ ઊભી થશે. દેશમાં ટિયર-2 ટિયર-3 શહેરો કોરોનાથી વધુ અસરગ્રસ્ત છે. રાજ્યોએ એકમેક પાસેથી શીખવું જરૂરી છે. રસીકરણની ગતિ દેશમાં સતત વધી રહી છે. રસી બરબાદ ના થાય એ જરૂરી છે. કેટલાંક રાજ્યોમાં રસીની બરબાદી થઈ છે. જેથી રસી નકામી ન જાય એની તકેદારી રાખવી જરૂરી છે.  આપણા સામૂહિક પ્રયાસોથી ઘણાં સારાં પરિણામો આવ્યાં છે. દેશમાં દવાની સાથે સખતાઈ પણ જરૂર છે, એમ વડા પ્રધાને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે રસી પહેલાં આવી એનો ઉપયોગ પહેલાં થવો જોઈએ. જૂના નિયમોનું પાલન કરવું જરૂરી છે. દેશમાં સ્વચ્છતા પર પણ ભાર મૂક્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ સામેલ નહોતા થયા. દેશમાં કોરોના વાઇરસની સામે 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.